ઑસ્ટ્રેલિયાના ઇમિગ્રન્ટોની સંખ્યામાં ઘટાડો કરવાના નિર્ણય છતાં ‘ગ્લોબલ ટેલેન્ટ વિઝા’કાયમી વસવાટની પરમિટ

global talent visa- australia's new visa type

ઑસ્ટ્રેલિયાની સરકારે ડિસેમ્બર 2023માં આગામી બે વર્ષમાં ઇમિગ્રન્ટની સંખ્યામાં અડધોઅડધ ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સરકારનું કહેવું છે કે ભાંગી પડેલી ઇમિગ્રેશનની વ્યવ્સથાને કારણે આ નિર્ણય લેવો અનિવાર્ય હતો.

ઑસ્ટ્રેલિયાની સરકારનાં નવાં નીતિનિયમો અનુસાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઓછા કૌશલ્યની જરૂર હોય તેવાં કામો માટે આપવામાં આવતા વિઝા ઉપર નિયંત્રણ લાદવામાં આવશે.

જોકે, ઉચ્ચ કૌશલ્ય ધરાવનાર લોકો તથા સેવા-શુશ્રૂષા કરનારાને જરૂરી ગણીને તેમને ઑસ્ટ્રેલિયામાં કાયમી નિવાસ માટે સારી તકો મળે તે માટે વિઝાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આમ, ઉચ્ચ સ્તરીય કૌશલ્ય ધરાવનારા ઇમિગ્રન્ટને ઑસ્ટ્રેલિયામાં કાયમી વસવાટ મેળવવા માટે કેટલાક આકર્ષક વિકલ્પો છે.

ઑસ્ટ્રેલિયાસ્થિત કોઈ પણ નોકરીદાતા ઉચ્ચ કૌશલ ધરાવનારા ઇમિગ્રન્ટને કાયમી વસવાટ માટે નામાંકિત કરી શકે છે. આ ઉપરાંત ઇમિગ્રન્ટ ‘ગ્લોબલ ટેલેન્ટ વિઝા’ સ્કીમ હેઠળ ઑસ્ટ્રેલિયામાં કાયમી વસવાટ માટે જાતે અરજી કરી શકે છે.

જોકે, અહીં એ વાતની નોંધવી ઘટે કે કાયમી વસવાટની પરમિટ મળવાની સાથે જ જે-તે વ્યક્તિને ઑસ્ટ્રેલિયાની નાગરિકતા નહીં મળે. ઑસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવવાની અરજી કરતા પહેલાં કોઈ પણ ઇમિગ્રન્ટે ઓછામાં ઓછાં ચાર વર્ષથી દેશમાં રહેતા હોવા જોઈએ. આ ઉપરાંત ઇમિગ્રન્ટ આ ચાર વર્ષમાં એક વર્ષથી વધારે સમય અને એક વર્ષની અંદર 90 દિવસથી વધારે સમય માટે દેશની બહાર ન રહેવા જોઈએ.

કાયમી વસવાટની અરજીની ફી અલગ-અલગ વિઝા માટે અલગ-અલગ છે. જેમ કે ઑસ્ટ્રેલિયાસ્થિત કોઈ પણ નોકરીદાતા દ્વારા ઉચ્ચ કૌશલ ધરાવનારા ઇમિગ્રન્ટોને કાયમી વસવાટ માટે નામાંકિત કરેલા વિઝાની અરજી ફી 4,640 ઑસ્ટ્રેલિયન ડૉલર છે. જ્યારે “ગ્લોબલ ટેલેન્ટ વિઝા” સ્કીમ હેઠળ અરજી કરનાર ઇમિગ્રન્ટ માટે વિઝા અરજીની ફી 4,710 ઑસ્ટ્રેલિયન ડૉલર છે.

ઑસ્ટ્રેલિયન ઍમ્પલૉયર દ્વારા નામાંકિત કરાયેલા ઇમિગ્રન્ટોને કાયમી વસવાટ મેળવવા માટે કઈ શરતો પૂરી કરવી પડશે?

ઑસ્ટ્રેલિયા

જો કોઈ ઇમિગ્રન્ટને ઑસ્ટ્રેલિયાસ્થિત નોકરી કે બિઝનેસ દ્વારા કાયમી વસવાટ માટે નામાંકિત કરવામાં આવે તો તેમને છ મહિનાની અંદર વિઝા માટે અરજી કરવી પડશે. આ ઉપરાંત ઇમિગ્રન્ટે વિઝા મળ્યા પછી તેને નામાંકિત કરનાર નોકરીદાતાને ત્યાં વધુમાં વધુ છ મહિનાની અંદર નોકરી કરવાનું શરૂ કરવું પડશે અને ઓછામાં ઓછાં બે વર્ષ માટે કામ કરવું પડશે.

સામાન્ય રીતે વિઝા માટે અરજી કરનાર ઇમિગ્રન્ટની ઉંમર 45 વર્ષથી ઓછી હોવી જોઈએ. જોકે, ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટી કે સરકારી વૈજ્ઞાનિક એજન્સીઓ માટે આ માપદંડ લાગુ પડતો નથી.

કાયમી વસવાટ માટે અરજી કરનાર ઇમિગ્રન્ટની અંગ્રેજી ભાષા પર મજબૂત પકડ હોવી જોઈએ.

અરજી કરનાર ઇમિગ્રન્ટ પાસે પોતાના કાર્યક્ષેત્રમાં ત્રણ વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ. આ ઉપરાંત અરજી કરનાર દેશના જે રાજ્ય કે પ્રદેશમાં કામ કરવા ઇચ્છે છે, ત્યાનાં નિયમાનુસાર તેમની પાસે લાઇસન્સ પણ હોવું જોઈએ અથવા તેઓ નોંધાયેલ વ્યવસાયિક સંસ્થાના સભ્ય હોવા જોઈએ.

આ ઉપરાંત જો ઇમિગ્રન્ટના પરિવારના 18 વર્ષથી મોટી ઉંમરનાં કોઈ સભ્ય પણ કાયમી વસવાટના વિઝા માટે અરજી કરે તો તેમને ફી પેટે 4,890 ઑસ્ટ્રેલિયન ડૉલર ચૂકવવા પડશે. આ ઉપરાંત તેમની સ્વાસ્થ્ય ચકાસણી, પોલીસ સર્ટિફિકેટ અને બાયોમૅટ્રિક માટેનો ખર્ચ પણ ચૂકવવો પડશે.

ઇમિગ્રેશન વકીલ અને અજમેરા લૉ ગ્રૂપના સ્થાપક પ્રશાંત અજમેરાએ જણાવ્યું, “ઑસ્ટ્રેલિયામાં આ નિયમો અંતર્ગત કાયમી વસવાટના વિઝા મેળવવાની મહત્તમ ઉમર 45 વર્ષ છે. જ્યારે કૅનેડામાં કાયમી વસવાટના વિઝા મેળવવાની મહત્તમ ઉંમર 35 વર્ષ છે.”

“આમ, જો કોઈ પણ વ્યક્તિ ઉંમરની મર્યાદાને કારણે કૅનેડામાં કાયમી વસવાટ માટેનો વિઝા ન મેળવી શકે તો ઑસ્ટ્રેલિયામાં કાયમી વસવાટ માટેનો વિકલ્પ તેમના માટે ખૂલો છે. ઑસ્ટ્રેલિયાની મોટા ભાગની કંપનીઓ સામાન્ય રીતે એન્જિનિયરિંગ, ફાઇનાન્સ, મેડિકલ અને પૅરા મેડિકલ જેવાં ક્ષેત્રોમાં ઉચ્ચ કૌશલ્ય ધરાવનારા ઇમિગ્રન્ટોને કાયમી વસવાટ માટે નામાંકિત કરે છે.”

ઇમિગ્રન્ટોને “ગ્લોબલ ટૅલેન્ટ વિઝા” સ્કીમ થકી કાયમી વસવાટ મેળવવા માટે કઈ શરતો પૂરી કરવી પડશે?

ઇમિગ્રન્ટ

કોઈ પણ ઉચ્ચ કૌશલ્ય ધરાવનારા ઇમિગ્રન્ટે “ગ્લોબલ ટેલેન્ટ વિઝા” સ્કીમ થકી કાયમી વસવાટ મેળવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલ, કળા અથવા સંશોધન અને શિક્ષણના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિ પણ “ગ્લોબલ ટેલેન્ટ વિઝા” સ્કીમ થકી ઑસ્ટ્રેલિયામાં કાયમી વસવાટનો પરવાનો મેળવવા અરજી કરી શકે છે.

“ગ્લોબલ ટેલેન્ટ વિઝા” સ્કીમ થકી અરજી કરનાર વ્યક્તિ માટે ઉંમરની કોઈ સીમા નથી. જોકે, અરજી કરનારની ઉમર જો 18 વર્ષથી ઓછી કે 55 વર્ષથી વધારે હોય તો તે કિસ્સામાં અરજી કરનારે ઑસ્ટ્રેલિયાના અર્થતંત્ર અથવા કોઈ પણ અગત્યના ક્ષેત્રમાં નવા સંશોધનોમાં મહત્ત્વપૂર્ણ યોગદાન કરવું પડશે.

આ ઉપરાંત કાયમી વસવાટ માટે અરજી કરનાર વ્યક્તિએ સાબિત કરવું પડશે કે પોતાના કૌશલ્યવાળા ક્ષેત્રમાં સરળતાથી કામ શોધી શકશે. આ સિવાય અંગ્રેજી ભાષા પર તેમની પકડ હોય એ પણ ઇચ્છનીય છે.

“ગ્લોબલ ટેલેન્ટ વિઝા” સ્કીમ હેઠળ અરજી કરનાર ઇમિગ્રન્ટ કે તેમના પરિવારના કોઈ પણ સભ્ય પર ઑસ્ટ્રેલિયાની સરકારનું કોઈ દેવું ન હોવું જોઈએ. જો કોઈ દેવું હોય તો ઇમિગ્રન્ટે વિઝાની અરજી કરતા પહેલાં તે ચુકવણી કરવી પડશે. આ ઉપરાંત જે-તે વ્યક્તિનો વિઝા ભૂતકાળમાં નામંજૂર થયો હોય તો તે વ્યક્તિ કાયમી વસવાટ માટે અરજી કરી શકશે નહીં.

ઇમિગ્રેશન વકીલ પ્રશાંત અજમેરાએ કહ્યું કે “ગ્લોબલ ટેલેન્ટ વિઝા” થકી ઑસ્ટ્રેલિયાની કંપનીઓ સિનિયર મૅનેજમૅન્ટનાં પદો જેમ કે સીઇઓ, સીએફઓ કે સીટીઓ વગેરે પદે નિમણૂક કરવા માટે ઉચ્ચ કૌશલ્ય ધરાવતા ઇમિગ્રન્ટોને કાયમી વસવાટ માટે નામાંકિત કરે છે. આ વિઝા થકી ઑસ્ટ્રેલિયાની કંપનીઓ આંતરરાષ્ટ્રીય ટેલેન્ટને આકર્ષિત કરવા માંગે છે અને આ વિઝાની પ્રક્રિયા પણ ઝડપી છે.”

ગ્લોબલ ટેલેન્ટ વિઝા પ્રોગ્રામ અંગે વધુ માહિતી આપતાં બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં ઇમિગ્રેશનનાં નિષ્ણાત ડૉ. જુલી દેસાઈએ કહ્યું હતું કે, “વૈશ્વિકીકરણને કારણે દરેક દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ સ્તરીય કૌશલ ધરાવનારા લોકોને પોતાની તરફ આકર્ષવા માગે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે લેબર માર્કેટમાં સતત થઈ રહેલા બદલાવ વચ્ચે આ પ્રોગામ થકી ઑસ્ટ્રેલિયા પણ અલગ-અલગ ક્ષેત્રના વૈશ્વિક ટેલેન્ટને પોતાના દેશમાં કાયમી વસવાટ આપે છે. જોકે, આ વિઝા મેળવવા માટે જે તે વ્યક્તિનું આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલ, કળા અથવા સંશોધન અને શિક્ષણના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન કર્યું હોવું જરૂરી છે.”

તેમણે ઉમેર્યું, “એક રીતે જોઈએ તો ગ્લોબલ ટેલેન્ટ વિઝા મેળવવા માટે ઉંમરની કોઈ સીમા નથી. આમ, પોતાના ક્ષેત્રમાં વર્ષોથી કામ કરતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ ઇમિગ્રન્ટ પણ આ વિઝા માટે અરજી કરી શકે છે.”