દાદા-દાદીના જીવનમાં પ્રેમની મોસમ

પંદર વર્ષની ખુશ્બુ તેના દાદા પાસે આવી ને બેસી ગઈ. દાદા,  દાદી માટે કંઈક શોધી રહ્યા હોય તેવું ખુશ્બુને લાગ્યું.

‘દાદા શું શોધો છો, લાવો હું મદદ કરાવું શોધવામાં.’

‘કંઈ નહીં બેટા, આતો વર્ષો જૂનો સાચવી રાખેલો એક ફોટો શોધું છું, હંમેશા એક જ જગ્યાએ હોય છે પણ હમણાંથી કશું યાદ નથી રહેતું તો, બીજે ક્યાંક મુકાઇ ગયો હશે હમણાં મળી જશે આટલાં માં જ હશે.’

ખુશ્બુએ દાદા પાસે આવીને કબાટમાં રહેલી વસ્તુઓને આઘી પાછી કરી. ઉપરના ખાનામાંથી એક જર્જરિત હાલતમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો નીકળ્યો. ખુશ્બુએ ફોટો દાદાના હાથમાં આપતાં કહ્યું,
‘દાદા, આ કોનાં લગ્નનો ફોટો છે કેવા સરસ લાગે છે બંને.’

‘તું ઓળખી બતાવ કોણ છે?’

‘દાદા મને આઇડિયા નથી આવતો કહોને તમે,’ આટલું બોલીને ખુશ્બુએ, દાદાના ગળા ફરતાં પોતાના હાથ વિંટાળી દીધા.

‘અરે.. અરે.. સંભાળ હું ગડથોલીયુ ખાય જઇશ, હવે કંઈ હું પહેલાં જેવો અલમસ્ત નથી રહ્યો કે તને સંભાળી શકું.’

દાદી શેટીમાં સુતા હતા તેને અચાનક ઉધરસ ચડી, તેઓ બેઠા થઇ ગયા દાદા અને ખુશ્બુ દોડતાં તેની પાસે આવ્યા ખુશ્બુ સાથે પાણીનો ગ્લાસ લેતી આવી હતી દાદા, દાદીનાં વાંસે હાથ ફેરવવા લાગ્યા.

દાદી ખાંસતા ખાંસતા બોલ્યા, ‘અલી મારી ખુશ્બુડી આ તો અમારા લગ્ન નો ફોટો છે જે તારા દાદા એ સાચવી રાખ્યો છે. પહેલાં ક્યા કોઈ ફોટા પાડતું હતું આ તો તારા દાદા મને અમારા લગન પછી ચોરી છુપકીથી ફોટા વાળાને ત્યાં લઈ ગયા ને આ એક ફોટો પડાવ્યો જે આજ દિવસ સુધી તારા દાદાએ સાચવી ને રાખ્યો છે. તે આજના દિવસે આ ફોટો બહાર કાઢે છે ને આખો દિવસ બહાર રાખે છે. બીજા દિવસે ન્હાઈ ધોઈ તેની જગ્યાએ ફોટાને પાછો મુકી દે છે.’ એમ કહી દાદી ખડખડાટ હસવા લાગ્યા.

ખુશ્બુ હસતાં હસતાં બોલી, ‘સમજી ગઈ આ તમારા બંનેના લગ્ન નો ફોટો છે. દાદી તમે આમાં કેટલાં ક્યૂટ લાગો છો. દાદા હું આ ફોટાનું પપ્પાને કહીને લેમીનેશન કરાવી દઈશ તેથી ફોટો સચવાય રહે.’

‘બેટા, આજે ક્યો દિવસ છે તને ખબર છે?’

‘હા, દાદા આજે વસંત પંચમી છે અને મમ્મી પપ્પાનો મેરેજ ડે છે, દાદા દાદી આપણે આ વર્ષે બધા સાથે ડિનર ઉપર જઈશું તમે તો અમારી સાથે આવતા જ નથી.’

ખુશ્બુની મમ્મી એ રૂમમાં દાખલ થતાં કહ્યું, ‘બેટા, આજે તારા દાદા દાદી એટલે કે, અમારા મમ્મી પપ્પાની પણ લગ્ન તિથી છે તેઓનાં લગ્નને આજે પિસ્તાલીસ વર્ષ પૂરાં થયાં છે, અમે બધા આ દિવસે સાથે જ ડિનર ઉપર જતા તું પણ સાથે આવતી ત્યારે તું નાની હતી.’

‘હા બેટા, તારી મમ્મીની વાત સાચી છે. આ એક વસંતપંચમી એવો દિવસ છે કે, તે દિવસે ઘણા બધાના લગ્ન થયેલાં હોય ને આ દિવસે બધા આનંદ કરતા હોય ને પ્રેમથી રહેતા હોય ને આ તમારો અંગરેજી મહિનાનો દિવસ તે ક્યો? સાલુ મને તો બોલતાં ય આવડે.’

‘દાદી, વેલેન્ટાઇન ડે.’

‘હા, એક ગુજરાતી મહિનાનો ને એક અંગરેજી મહિનાનો દિવસ આ બે દિવસે  લગન કરેલા હોય કે લગન કર્યા વગરના બે માણા હોય એકબીજા ઉપર પ્રેમ બહુ વરસાવે ને આખું વરહ પ્રેમ ક્યાં ભાગી જાય તેની ખબર નો પડે.’ દાદી એ પોતાના મનનો ઉભરો ઠાલવતા કહ્યું.

દાદા બોલ્યા, ‘તારી દાદી સાચું કહે છે પ્રેમ થોડા દી’ નો ન હોય કે આવે ને જાય. પ્રેમ તો કાયમ કરાય  તેમાં વધ ઘટ ન હોય આપણે પણ માણસ છીએ કોક ‘દિ ગુસ્સો આવી જાય અબોલા થાય પણ તેમને વાળતા શીખવું જોઈએ.  એકાદ દિવસમાં તે બધું પુરૂ કરવું જોઈએ, અમે પણ તારા મમ્મી પપ્પાને આજ શીખવ્યું છે.’

‘હું હવે નાની નથી રહી મને બધી ખબર પડે છે મમ્મી પપ્પા કેટલાં આનંદથી રહે છે. દાદા, તમને એક વાત કહું! પપ્પાને નહીં કહેતા હો.. કોઇક દિવસ મમ્મી પપ્પા ઉપર ખિજાય જાય છે ને પપ્પા તેમને મનાવી લે છે આવું મમ્મીની બાબતમાં પણ બને છે.આ બધી વાતો હું તમારી પાસેથી જ સમય આવ્યે શીખીશ.’

‘તારા દાદા દાદી ની બધીજ વાતો સાચી છે, મોસમ તો બદલાતી રહે છે પણ દાદા દાદીનાં જીવનમાં પ્રેમની મોસમ આવેલી છે તે કદી બદલાતી નથી .કાયમ માટે છે પ્રેમ તો આઝાદ છે, જેનાં મનમાં પ્રેમને પામવાની ઈચ્છા હોય તે જ પકડી શકે છે.’

‘આ બધી વાતોમાં હું જે કહેવા આવી હતી તે તો ભૂલી જ ગઈ, આજે પિસ્તાલીસમી લગ્ન તિથી પર મમ્મી તમારા માટે શીરો અને પપ્પા, તમારા માટે દૂધપાક બનાવ્યો છે સાથે રોટલી ને ભરેલા રીંગણાનું લસણ વાળું શાક પણ છે અમે ડિનર લઈને જલ્દીથી પાછા આવી જઇશું,’ કહી હસતાં હસતાં ખુશ્બુની મમ્મી, તૈયાર થવા માટે પોતાના રૂમમાં ગઈ.

પલ્લવી ઓઝા
“નવપલ્લવ”

જેને લોકો સમજી રહ્યા હતા કચરો, તેનાથી મારિયાએ ચમકાવી પોતાની કિસ્મત, મહિને કમાય છે 8 લાખ રૂપિયા, 40ને આપી રોજગારી

Canada માં કમાણી કરવી હવે સરળ બનશે, PGWP વર્ક પરમિટના નિયમ બદલાયા, જાણો કોને મળશે લાભ?

3 thoughts on “દાદા-દાદીના જીવનમાં પ્રેમની મોસમ”

Comments are closed.