..મારા જેવા માતા પિતા બધા સંતાનોને મળે’

– ‘I wish everyone could have my parents. They always let me choose whatever I wanted. Even when I was younger, I played some other sports. They never put pressure on me. I wish this freedom is possible for as many young kids as possible.’

ગ યા રવિવારે ૨૨ વર્ષીય ટેનિસ ખેલાડી સિનર ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર સૌપ્રથમ ઇટાલિયન ખેલાડી બન્યો હતો. સેમી ફાઈનલમાં તેણે જોકોવિચ જેવા જાયન્ટ ખેલાડીને હરાવીને આગેકૂચ કરી હતી.

યોકોવિચ ૨૦૧૮ પછી પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનની મેચ હાર્યો હતો તેના પરથી સિનરની સિધ્ધિની કલ્પના કરી શકો છો.

જો કે અહીં  રમતના વિશ્લેષણની નહીં પણ  એક સંતાન માટે વાલીએ કેવી ભૂમિકા ભજવવી જોઈએ તેની વાત  કરવાનો ઈરાદો છે.

ભાગ્યે જ કોઈ ચેમ્પિયને  સિનરની જેમ  વિજય બાદ ટ્રોફી હાથમાં રાખીને ટેનિસ કોર્ટ પરના ઇન્ટરવ્યૂમાં જ તેના માતા પિતા માટે આભારની લાગણી વ્યક્ત કરતા આ હદના શબ્દો કહ્યા હશે.

સિનરે જીતનો તમામ શ્રેય તેના માતા પિતાને આપતા કહ્યું કે ‘હું ઇચ્છુ છું કે બધાને મારા જેવા માતા પિતા મળી શકે તો કેવું સારું.

તેઓએ મને હું જે પણ પસંદ કરું તેમાં આગળ વધવાની પરવાનગી આપી છે. હું ઓછી વય ધરાવતો હતો ત્યારે કેટલીક અન્ય રમતોમાં પણ આગળ પડતો હતો.

તેઓએ મારા પર શેમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવું તે બાબત દબાણ નથી કર્યું. હું ઇચ્છુ છું કે આવી સ્વતંત્રતા શક્ય એટલા વધુ બાળકોને મળવી જોઈએ.’

સિનરે તે પછી પણ માતા પિતા માટે ગળગળા થઈને વિશ્વ મીડિયા સમક્ષ વાત કરી હતી.

સિનર  ઇટાલીમાં જે રમતનું કલ્ચર છે તેવી  આઇસ સ્કિઇંગમાં  ૧૨ વર્ષની વયે જ જુનિયર નેશનલ ચેમ્પિયન બનીને સમગ્ર દેશમાં તેની પહેચાન બનાવી ચુક્યો હતો. બરફની જે પણ રમત હોય તેમાં તે તેના વયજૂથમાં દેશમાં ટોચ પર રહ્યો. 

આઇસ હોકીમાં પણ  એવી પ્રતિભા કે ત્યાંના ધુરંધર ખેલાડીઓ પણ માનતા કે આગળ જતા તે આ રમતનો લેજેન્ડ ખેલાડી બની શકશે.

 પણ, અચાનક તેના કેટલાક મિત્રો ટેનિસ રમતા હતા અને તેણે ટેનિસમાં હાથ અજમાવ્યો. રેકેટ પકડતા અનેરો રોમાંચ અનુભવ્યો. લીસા બરફ પર સરકવા કરતા તેને ટેનિસના કોર્ટ પર રમવું વધુ ગમવા માંડયું.

તે હવે બરફની રમત કે જેમાં તે ઇટાલીનો જુનિયર ચેમ્પિયન હતો તેના કરતાં ટેનિસની રમતમાં વધુ સમય ફાળવવા માંડયો. બરફ પરની રમતના કોચ અને તેની શાળાના પ્રશિક્ષકોએ તેને સમજાવ્યો કે ‘તું રાષ્ટ્રીય ચેમ્પિયન છે.

ટેનિસને લીધે તારું ધ્યાન અગાઉ જેવું બરફની રમતની પ્રેક્ટિસમાં કેન્દ્રિત નથી. હવે તારા હાથમાં રેકેટ ન હોવું જોઈએ.’ સ્વાભાવિક છે કે સિનરમાં બધાને વિન્ટર ઓલિમ્પિકનો ભાવિ ગોલ્ડ મેડલ વિજેતા દેખાતો હતો.

સિનિયર ખેલાડીઓએ પણ સિનરે બરફની રમતમાં જ સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ તેમ મીડિયામાં રાષ્ટ્રીય ચર્ચા (ડીબેટ) છેડી. આખરે બધા પહોંચ્યા સિનરના ઘેર માતા પિતાને મળવા. સિનર સાવ બે રૂમના નાના ઘરમાં રહેતો.

માતા પિતાએ બધાને સાંભળ્યા અને તેઓએ નિર્ણય જાહેર કર્યો કે ‘ભલે સિનર બરફની રમતનો જુનિયર નેશનલ ચેમ્પિયન હોય. ભાવિ ઓલિમ્પિક મેડલ જીતવાની સંભાવના તેનામાં પડેલી હોય પણ અમારા પુત્ર સિનરને જે રમત પસંદ હોય તે જ તે રમશે.

અમે તેના પર કોઈ દબાણ નહીં લાવીએ. રમતની પસંદગીમાં જ નહીં તેના ઉત્કર્ષ અને સારા માનવી બનવા માટે તે જેની પણ પસંદગી કરે તે માટે તેને અમે સંપૂર્ણ સ્વતંત્રતા આપીએ છીએ.’

સિનરે અન્ય રમતમાં નેશનલ ટાઇટલ હતું અને ભાવિ વિશ્વ શ્રેષ્ઠ બનવાની તક હોવા છતાં તે રમતો છોડી દઈને ટેનિસની રમતને અપનાવી.

ઇટાલીમાં ઠંડી ઋતુમાં બરફના મેદાન તો સહજ રીતે થાય અને આ રમતો જ બધા રમતા હોય તેથી સસ્તી અને પ્રાપ્ય સિસ્ટમ રહેતી જ.

આપણે ત્યાં જ્યાં જગ્યા મળે ત્યાં ક્રિકેટ રમી શકાય છે તેવું ઇટાલીમાં બરફની રમતોમાં જોઈ શકાય છે. ટેનિસમાં ભાવિ આંતરરાષ્ટ્રીય ખેલાડી બનવું હોય તો ટેનિસ એકેડમી કે તેમાં જ જે  હોસ્ટેલ હોય તેમાં રહેવું પડે. ખર્ચ પણ સારો એવો આવે.

માતા પિતાએ સિનરને  ૧૪ જ વર્ષની વયે ઇટાલીની વિખ્યાત પિયાટ્ટા ટેનિસ એકેડમીમાં ભારે હૈયે મૂકી દીધો. સિનર પર તો ટેનિસમાં

છવાઇ જવાનું જાણે ભૂત સવાર થઈ ગયું હતું. સિનર કહે છે કે બીજા કોઈપણ માતા પિતા હોત તો જે રમતમાં હું રાષ્ટ્રીય ચેમ્પિયન હોઉં તે રમત મને છોડવાની પરવાનગી જ ન આપત.

લાગણીઓ વડે જાણે બ્લેક મેઈલ કરે પણ તેઓએ ટેનિસની જગ્યાએ ફરી બીજું કંઈ અપનાવ્યું હોત કે કંઇ જ શોખ કે રુચિ ન રાખી હોત તો મને તે રીતની આઝાદી આપી હતી.

સિનર અભ્યાસ, ઈતર પ્રવૃત્તિ કે રમતમાં ઝળકી ન ઊઠે તો પણ તેના માતા પિતા ‘મારા સંતાને મારા માટે નીચું જોવાપણું કર્યું’ તેવી લાગણી કે બોડી લેન્ગવેજ વ્યક્ત ન જ કરે તેવા હતા.

સિનરે ટેનિસની રમત પસંદ કરી એટલે માતા પિતાનો ખર્ચ વધવાનો હતો તો પણ સિનરને એહસાસ ન થવા દીધો. સિનરના માતા પિતાની આવક પણ ઘણી સામાન્ય હતી. પિતા જે હોટલમાં શેફ છે ત્યાં જ માતા વેઇટ્રેસ તરીકે નોકરી કરે છે.

ચાલો, માની લો કે   સિનર તો તેના માતા પિતાની પ્રસંશા કરે પણ તેના કોચ, ફિઝિયો અને એકેડમીનો સ્ટાફ પણ કહે છે કે ‘અમે કોઈ સંતાનના આવા માતા પિતા નથી જોયા.

તેઓ કોઈક વખત એકેડમી આવે ત્યારે પણ સિનરની પ્રગતિ કે પછી અમારા કોચિંગમાં સહેજ પણ દખલ નહોતા આપતા.

તેઓ સિનર ટેનિસની રમતથી હજુ અગાઉ જેવો ખુશ છે કે નહીં તે જ જાણવા આવતા. સિનરને એવું કળવા નહોતા દેતા કે તારા વગર અમે કેટલા દુઃખી છીએ કે પછી કેટલી મહેનત કરીએ છીએ.’

કોચ કાહિલે તો એટલે સુધી કહ્યું કે ‘આજકાલ તો અન્ય ખેલાડીઓના માતા પિતા યુ ટયુબ પરની કોચિંગની વિડિયો જોઈને અમને સૂચના આપે કે તેની ફોરહેન્ડ રમત, ફર્સ્ટ સર્વ, બેકહેન્ડ કે વોલી રમત પર બરાબર ધ્યાન આપજો.

આની સામે સિનરના માતા પિતા અમારા પર જ બધું છોડી દેતા હોઇ અમને કોઈ જ નિર્દેશન નથી આપતા.’

આપણા શિક્ષકો અને કોચ પણ કબુલશે કે વાલીઓ તેમના સંતાનોને શાળા કે કોચિંગમાં મૂકે તે જ તેઓની જવાબદારી હોય તેમ

છૂટી જાય છે અને તેના સંતાનના માર્ક ઓછા આવે કે રમતમાં ઝળકે નહીં તો ખરાબ ભાષામાં વાત કરીને દોષનો ટોપલો તેઓ પર ઓઢાડે છે.

સિનરનો નાનો ભાઈ ખાસ કોઈ રમતમાં તે રીતે આગળ પડતો નથી. તે તેના માતા પિતા સાથે જ ઘેર રહે છે તો પણ માતા પિતા તેના આ પુત્રને સહેજ પણ ક્ષોભ ન થાય તેમ રહ્યા છે.

બાકી તો વાલીઓ હોનહાર સંતાનને હદ બહાર ગળે વળગાડે અને તેની જ ગૌરવ ગાથા બધાને એ રીતે કહ્યા કરે કે અન્ય સંતાન લઘુતાગ્રંથિથી પીડાવા લાગે.

તેની જગ્યાએ સિનરે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બન્યા પછી કહ્યું કે ‘મારામાં પ્રામાણિકતાના જે પણ ગુણ છે તે મારા નાના ભાઈ પાસેથી મેળવેલ પ્રેરણા છે.’

સિનર ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યો ત્યારે પણ તેના માતા પિતા તે મેચ જોવા નહોતા આવ્યા કેમ કે તે તેના પુત્ર પર તેમની હાજરીનું કે અપેક્ષાનું દબાણ આપવા નહોતા ઈચ્છતા.

સિનરને મેચ પૂર્વે માતા પિતાએ કેવી શુભેચ્છા આપી હતી

સિનરના માતા પિતાએ ફાઇનલ અગાઉ ફોન પર કહ્યું હતું કે ‘બેટા ચેમ્પિયન બને તેવી તો શુભેચ્છા છે જ પણ દાયકાઓ પછી ઇટાલીનો ખેલાડી ફાઇનલમાં આવ્યો છે. વિશ્વ તને જોતું હશે. તું એવી રીતે રમજે કે તેમાં વિશ્વને  આપણાં દેશમાં જેવું સૌજન્ય, સંસ્કાર અને શિષ્ટતાનું કલ્ચર છે તેની પ્રતીતિ થાય.’

સિનરના કોચ કાહિલ કહે છે કે ‘માતા પિતાને જોઈને મોટા થયેલ સિનરનો વ્યવહાર બધા માટે સમાન છે. તે અમારા જેટલી જ ઈજ્જત ડ્રાઈવર કે હોટલના દરવાન અને સિક્યોરિટી સ્ટાફને આપે છે.’

સિનર ચેમ્પિયન બન્યો તે જ અરસામાં રાજસ્થાનના કોટામાં રહીને  જે.ઇ.ઇ.ની પરિક્ષાની તૈયારી 

કરી રહેલ ધો.૧૨ની વિદ્યાર્થિનીના આત્મહત્યાના સમાચાર આવ્યા. વિદ્યાર્થિનીએ ચીઠ્ઠીમાં લખ્યું હતું કે 

‘સોરી.. મમ્મી, પપ્પા.. હું તમારી સૌથી ખરાબ દીકરી છું. હું નહીં કરી શકું. હું હાર સ્વીકારી લઉં છું.’

બેંગલોરમાં બનેલ  અન્ય એક કિસ્સામાં માતા પિતાએ દબાણપૂર્વક સંતાનને તેની ઈચ્છા નહોતી તેવા વિષયમાં કોચિંગમાં મૂક્યો અને એક દિવસ સંતાન ઘેર જ ન આવ્યો.

પોલીસ ફરિયાદ અને ભારે શોધખોળ બાદ તે ત્રણ દિવસ પછી હૈદરાબાદથી મળી આવ્યો. તેણે ભાગી જવાનું કારણ આપ્યું કે

ઘેર એટલી હદનું દબાણભર્યું વાતાવરણ હોય છે કે મારે થોડા દિવસો મુક્તિનો એહસાસ માણવો હતો.

હવે સંતાનો અને વડીલો પણ આ રીતે ઘરના તનાવ સાથેના અને સન્માન વગરના  વાતાવરણથી ભાગી જાય તેવા કિસ્સાઓ વધતા જાય તો નવાઈ નહીં લાગે.

જ્ઞાન પોસ્ટ : ભારતમાં સંતાનો તેમની જિંદગી જીવે છે કે માતા પિતાને ગૌરવ આપવા માટેના પ્રયત્નની તે વિચારવા જેવું છે.

Our children do not fail. We do