અંતર તો રાખવું,પણ કેટલું ? bhari

કાલ્પનિક નામવાળાં પતિપત્ની રમેશ અને રેખા થોડાં વર્ષોથી જુદાં થઈ ગયાં હતાં અને અલગ શહેરમાં રહેતાં હતાં. એમનું દાંપત્યજીવન ડામાડોળ કરી નાખે એવું ખાસ બન્યું નહોતું, માત્ર બંનેનો ઇગો વચ્ચે આવી ગયો હતો.

નાનીમોટી કોઈ પણ બાબતમાં સમાધાન કરવાની તૈયારી રહી નહોતી. નિ:સંતાન દંપતી એકબીજાની હાજરી પણ સહન કરી શકે નહીં એવી પરિસ્થિતિ આવી ગઈ હતી.

રમેશનો પોતાનો બિઝનેસ હતો, રેખા બેન્કમાં મેનેજર હતી. અસહ્ય થવા લાગ્યું ત્યારે રેખાએ બીજા શહેરમાં બદલી કરાવી અને ચાલી ગઈ.

ત્યાર પછી એમની વચ્ચે ફોનથી પણ વાતચીત કરવાનું બંધ થઈ ગયું. એમનો સંબંધ વધારે કડવો થતો ગયો. ત્રણેક વર્ષ પછી કોરોનાની મહાભયાનક બીમારી ફાટી નીકળી. લોકડાઉન જાહેર થયું.

કરોડો લોકોની જેમ રેખા અને રમેશે બહારના જગત સાથે પ્રત્યક્ષ સંપર્ક ગુમાવી દીધો. બંને એકલાં રહેતાં હતાં એથી એમની માનસિક સ્થિતિ વધારે ભયાનક લાગતી હતી.

ફરજિયાત અંતર જાળવવાનો અનુભવ એમને બહારના જગતમાંથી અંદર ખેંચીને જાતની વધારે નજીક લઈ ગયો. ઘરની કેદમાં એમને પોતાની મર્યાદાઓ વિશે ધ્યાનથી વિચારવાની તક મળી.

સાથે રહેવાના સમયે બહુ મોટી લાગતી ઘટનાઓ ધીરેધીરે અર્થહીન લાગવા માંડી. બંનેને સમજાવા લાગ્યું કે એવી ક્ષુલ્લક બાબતોમાં એમણે થોડુંક પણ સમાધાન કર્યું હોત તો એમના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું ન હોત.

લોકડાઉનમાં એમનું મનોમંથન ચાલતું રહ્યું. કોરોના હળવો થયો અને લોકડાઉનની ભીંસ ઘટી પછી રમેશે આટલાં વર્ષોમાં પહેલી વાર રેખાને ફોન કર્યો.

એ એટલું જ બોલી શક્યો: ‘રેખા. મને માફ કરી શકશે? હું તને –’ વધારે બોલવાની જરૂર પડી નહોતી. બંનેના રુદનમાં વચ્ચેનું બધું ધોવાઈને સાફ થઈ ગયું હતું.

આ ઉદાહરણ લોકડાઉન જેવા ફરજિયાત અંતરમાંથી પાછી મેળવેલી નિકટતાનું છે. એની સામે વર્ષ બે હજારમાં બ્રિટનમાં બનેલી એક સત્યઘટના જોઈએ.

વિદેશી પતિપત્નીએ એમના લગ્નજીવનના આરંભથી જ અંતર જાળવીને સંબંધ સમૃદ્ધ કરવાનો પ્રયોગ કર્યો હતો. મેં એ ઘટના વિશે ઘણાં વર્ષો પહેલાં લખ્યું હતું. સિયાન લગ્ન પહેલાં રહેતી એ ઘર એને બહુ ગમતું હતું.

લગ્ન પછી એ પોતાનું ઘર છોડવા ઇચ્છતી નહોતી. એના સંગીતકાર પતિને પણ પોતાનું ઘર ગમતું હતું. એ પણ એનું ઘર છોડી સિયાનના ઘરમાં રહેવા જવા માગતો નહોતો.

એ મુદ્દે બંને વચ્ચે સંમતિ હતી. એથી એમણે લગ્ન પછી ઘરગૃહસ્થી વસાવવા માટે એમની જૂની વ્યવસ્થા બદલી નહીં. પોતપોતાનાં ઘરમાં જ રહેવાનું ચાલુ રાખ્યું. એમના ઘર વચ્ચે પાંચેક માઇલનું અંતર હતું.

એ વિશે સિયાને લખ્યું હતું: ‘એ વ્યવસ્થાથી અમે એકમેક પર પોતાને લાદતાં નથી અને અરસપરસ પૂરતી સ્પેસ આપી શકીએ છીએ. અમારા માટે રોમાન્સનો અર્થ છે બે-ત્રણ દિવસ પછી મળવાની ઉત્તેજના.

અમે ચોવીસે કલાક એક જ છત નીચે રહેતાં ન હોવાથી રોજિંદા જીવનમાં અકારણ થતા ક્ષુલ્લક ઝઘડાથી બચી જઈએ છીએ અને એકબીજા પ્રત્યે માનસન્માન જાળવી શક્યાં છીએ.

અત્યાર સુધી લાગ્યું છે કે અમારા ઘર વચ્ચેનું અંતર અમને વધારે નજીક લઈ ગયું છે.’ એ રીતે જીવવાનો પ્રયોગ લગ્નજીવનના સંદર્ભમાં આત્યાંતિક લાગે પરંતુ વાત સંબંધોમાં અંતર રાખવાની છે.

વચ્ચેથી હવા પસાર થાય એટલી જગ્યા રાખી હોય તો શ્વાસોચ્છવાસ રૂંધાતા નથી. કોઈ કોઈ પર હાવી થઈ જાય અને ગૂંગળામણ થાય એવી સ્થિતિ હાનિકારક છે.

કોઈ પણ પ્રકારના સંબંધમાં સલામત અંતર રાખવાથી બીજી વ્યક્તિની વિચારસરણી અને અભિગમ સમજવાની તક મળે છે, એનો દૃષ્ટિકોણ યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજાય છે.

અંતર રાખવાથી ઊભી થતી સ્પેસમાં દરેક જણ પોતાની રીતે વિકસી શકે છે. વાહનચાલકોની જેમ સંબંધોમાં સલામત અંતર રાખવાથી સંભવિત અકસ્માતોથી બચી શકાય છે.

અંતર રાખવાની વાત લગભગ બધા જ સંબંધોને લાગુ પડે છે. પતિ અને પત્ની વચ્ચે તો ખાસ. નજીકના મિત્ર સાથે અણબનાવ જેવું બનવા લાગે તો થોડું દૂર ખસી જવું જોઈએ, જેથી સમય જતાં ગેરસમજ દૂર થાય અને સંબંધ ફરી સુધરે.

માતાપિતાએ પણ અમુક સમય પછી સંતાનો સાથે યોગ્ય અંતર રાખવું જોઈએ, એમ કરવાથી સંતાનો એમની રીતે આગળ વધી શકે છે.

વ્યવસાયમાં કોઈ સિનિયર વ્યક્તિ એના સહકર્મચારીઓ પર પોતાનો જ અભિગમ લાદે તો નિષ્ફળ જવાની શક્યતા વધી જાય છે. દરેકને લાગવું જોઈએ કે એનું પોતાનું સ્વતંત્ર સ્થાન છે, એનું પણ વજૂદ છે અને એના દાયરામાં એ કોઈ રોકટોક વિના સ્વતંત્રપણે હરફર કરી શકે છે.

દૂરથી જોયેલું ચિત્ર મોટું અને સ્પષ્ટ દેખાય છે અને હજી શું અને કેટલું કરવાનું બાકી છે તે સમજાય છે. ‘માઇલ્સ ટુ ગો’નો અર્થ દૂરથી વિશાળ ફલક પર નજર નાખવાથી જ સમજાય છે.

જોકે પ્રશ્ન એ પણ છે કે કેટલું અંતર રાખવું ઉચિત છે? કદાચ એનો જવાબ આ રીતે મળે – એટલા નજીક રહેવું નહીં કે આપણે કશું જોઈ ન શકીએ અને એટલા દૂર પણ ખસવું જોઈએ નહીં કે જોવું હોય તે દેખાતું બંધ થાય.

સ્પષ્ટ જોવા માટે પાંચ માઇલનું અંતર રાખવાની જરૂર ન પણ હોય, ક્યારેક એક વેંત જેટલું અંતર પણ આવશ્યક સ્પેસ ઊભી કરવા પૂરતું થઈ પડે છે.