મન કી બાત : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમે કરોડો લોકોને એક સાથે જોડ્યા -PM મોદી

પીએમ મોદી વર્ષના પ્રથમ મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ આ કાર્યક્રમમાં પીએમએ રામલલ્લા વિશે વાત કરી હતી. રામ મંદિરની સાથે વડાપ્રધાને પ્રજાસત્તાક દિવસ પર દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા. પીએમે કહ્યું કે આ વખતે પરેડમાં બધાએ મહિલા શક્તિ જોઈ.

મહિલાઓએ ધ્વજ લહેરાવ્યો

પીએમ મોદીએ કહ્યું કે, મહિલાઓનો મહિમા માત્ર ગણતંત્ર દિવસ પર જ નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં જોવા મળ્યો છે. પીએમએ કહ્યું કે ખાસ કરીને સેલ્ફ હેલ્પ ગૃપની મહિલાઓ દ્વારા કરવામાં આવેલું કાર્ય પ્રશંસનીય છે.

પીએમએ કહ્યું કે, આ વર્ષે આપણું બંધારણ પણ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટ પણ 75 વર્ષ પૂર્ણ કરી રહી છે. આપણી લોકશાહીનો આ તહેવાર મધર ઓફ ડેમોક્રેસી તરીકે વધુ મજબૂત બનાવે છે.

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમે લોકોને એક સાથે જોડ્યા

PM એ કહ્યું કે, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને એક સાથે જોડ્યા છે. દરેકની લાગણી એક છે, દરેકની ભક્તિ એક છે, દરેકના શબ્દોમાં રામ છે, રામ દરેકના હૃદયમાં છે. આ સમય દરમિયાન દેશના ઘણા લોકોએ રામ ભજન ગાયા અને શ્રી રામના ચરણોમાં પોતાને સમર્પિત કર્યા છે. પીએમએ વધુમાં કહ્યું કે, 22 જાન્યુઆરીની સાંજે સમગ્ર દેશે દિવાળીની ઉજવણી કરી છે.

દેશની મહિલાઓ કમાલ કરી રહી છે : પીએમ

પીએમ મોદીએ કહ્યું કે, આ વખતે 13 મહિલા ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ મહિલાઓએ ઘણી મોટી ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. પીએમએ કહ્યું કે, બદલાતા ભારતમાં આપણી દીકરીઓ અને દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં કમાલ કરી રહી છે.

તમારો એક વોટ દેશનું ભાગ્ય બદલી શકે છે…

પીએમ મોદીએ વધુમાં એવું પણ કહ્યું કે, આ વખતે દરેકે પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરવાની ફરજ બજાવવી જોઈએ. તેમણે કહ્યું કે, તમારો એક વોટ દેશનું ભાગ્ય બદલી શકે છે.