અંતરનાદ…

અંતરનાદ…

  કમળા મજૂર વર્ગની બાઈ.એ અત્યારે જે ઘેર ઘરકામ કરી રહી છે એ ઘરનાં માલિક  શ્રધ્ધાબેનને ઘરમાં પોતું કરતાં કરતાં એણે કહ્યું,"અરે બહેનજી!આ સોનાનો દોરો નીચે પડ્યો છે જુઓ.સાહેબનો જ હશે.સાહેબ ઓફિસે પહોંચવાની ઉતાવળમાં ભુલી ગયા લાગે છે."
    દિપકભાઈ અને શ્રધ્ધાબેનનો પરિવાર સુખી પરિવાર છે.બન્ને પતિ પત્ની નોકરી કરે છે.તેમને સંતાનમાં એક દીકરો છે ને ખુબ સારૂ કહી શકાય એવું મકાન છે.ગાડી પણ છે.સુખ સાહ્યબીની સાથે સંસ્કારી પરિવાર છે.આ પરિવારને ભગવાને બધું જ આપ્યું છે
 પરંતુ દિપકભાઈને એક વ્યસન છે માવા મસાલા ખાવાનું.આ બાબતે ઘણી વખત બન્ને પતિ પત્ની વચ્ચે ચકમક ઝરે છે.શ્રધ્ધાબેન વ્યસનનાં સખત વિરોધી છે પરંતુ એમનો સરળ સ્વભાવ હોવાથી ઘણી વખત ગમ ખાઈને બેસી રહે છે.જોકે  દિપકભાઈ પણ આ વ્યસન છોડવાના ઘણા પ્રયત્નો કરે છે પરંતુ હજી સુધી તો છુટ્યું નથી.

 દરરોજ વધારે તો નહિ પરંતુ બે ત્રણ મસાલા તો ઝાપટી જ જાય છે.આ વ્યસન છોડાવવા ભોળા મનનાં શ્રધ્ધાબેને ઘણા પ્રયત્નો કર્યા પણ બધું નિરર્થક નિવડ્યું.દિપકભાઈમાં બીજી કોઈ કુટેવ તો તો હતી નહીં એટલે શ્રધ્ધાબેને પણ પ્રયત્ન પડતા મુક્યા.જોકે એમને મગજમાં એ ચિંતા રહેતી કે,આ દુષણ પતિને નુકસાન ના કરે તો સારુ.

    હાથમાં અછોડો લઈને ઉભી રહેલ કમળાને શ્રધ્ધાબેન એકીટશે ઘડીભર જોઈ રહ્યાં.આમ તો કમળા આ ઘેર કામ કરવા છેલ્લા ત્રણ જ માસથી આવતી હતી.કમળા એકદમ આખાબોલી હતી.શ્રધ્ધાબેનને હજી એનો પુરેપુરો પરિચય પણ કેળવાયો નહોતો.આજે અચાનક જ શ્રધ્ધાબેનને કમળાના સ્વાભાવનો  પરિચય થઈ ગયો.
 
    શ્રધ્ધાબેન મનોમન વિચારી રહ્યાં હતાં,"ગરીબાઈમાં પણ માનવતા કેટલી ઠસોઠસ ભરેલી હોય છે!"શ્રધ્ધાબેને કમળાના ખભા પર હાથ મુકીને અછોડો લઈ લીધો અને બોલ્યાં,"ધન્ય છે તારી માનવતાને કમળા.પુરા અઢી તોલાનો અછોડો છે છતાંય તેં તારો જીવ નથી બગાડ્યો કમળા."

    કમળાએ શ્રધ્ધાબેન સાથે નજર મેળવતાં કહ્યું, "બહેનજી! હરાંમનું લઈને શું કરવાનું?મહેનતનું ખાવામાં જે મજા છે એવી મજા મફતનું ખાવામાં નથી.બીજાની વસ્તુ લાખની હોય તોય શું કામની?"મજૂર વર્ગની ગરીબ કમળાનાં વાક્યો સાંભળીને શ્રધ્ધાબેન લાગણીમય બની ગયાં. 

   શ્રધ્ધાબેનને નોકરીએ જવાની હજી થોડી વાર હતી એટલે એમણે આજે પ્રથમવાર કમળાના કુટુંબ વિશે પૂછપરછ કરી.
     શ્રધ્ધાબેનની પૂછપરછથી ખુશ થતાં કમળા બોલી, "બહેનજી હું,મારા ઘરવાળા અને છઠુ ધોરણ પાસ થયેલો એક નો એક છોકરો એ અમારું કુટુંમ.

છોકરો બહુ હુશિયાર છે ભણવામાં.મારા ઘરવાળા માર્કીટમાં મજુરી કરે છે.એમને કોઈ વ્યસન નથી બહેનજી એટલે કુટુંમમાં કોઈ વધારાનો ખરચો નથી.રહેવા માટે ચાલીમાં કાચુ મકાન છે.ઘરસંસાર સુખેથી ચલાવીએ છીએ.
 ગમે તેમ કરીને છોકરાને ખુબ ભણાવવો છે.આ અમારૂ સપનું છે બહેનજી!"

 કમળાની વાત સાંભળીને ભાવવિભોર થઈ ઉઠેલ શ્રધ્ધાબેન બોલ્યાં"તો આજથી દરરોજ તને ત્રીસ રૂપિયા વધારાના આપીશ.દર મહિને પગાર તો ખરો જ.જો કમળા! મારા પતિ દરરોજના ત્રણ મસાલા ખાય છે ને એનો ખર્ચ દરરોજ ત્રીસ રૂપિયાનો છે.
ખર્ચની ચિંતા નથી પણ એનાથી થતા શારીરિક નુકસાનથી ભગવાન બચાવે એ આશયથી દરરોજ તને ત્રીસની બક્ષીશ આપીશ.મને વિશ્વાસ છે કે આ નાનકડી મદદ જરૂર કંઈક સારુ કરશે.તમારા જેવા લોકોના આશીર્વાદની મારે જરૂર છે.

અને હા કમળા! તારા દીકરાના અભ્યાસ માટે કંઈ  જરૂર પડે તો અમે બેઠાં જ છીએ.બેધડક કહી દેજે કમળા."- કહેતાં કહેતાં શ્રધ્ધાબેનની આંખો ભીની થઈ ગઈ.

   શ્રધ્ધાબેનનો લાગણીભાવ જોઈને કમળાની આંખોમાં પણ આંસુ આવી ગયાં.નોકર-માલિકનો નો ભેદ ભુંસાઈ ગયો હોય એવું દ્રશ્ય સર્જાયું.શ્રધ્ધાબેન કમળાને ભેટી પડ્યાં.

   સમય સરકતો રહ્યો.દરરોજની ત્રીસ રૂપિયાની બક્ષીશ!  કમળા આ રકમ પોતાના ખોલાવેલ બેંક ખાતામાં મુકતી ગઈ. કમળાએ પુત્રને ધોરણ અગિયાર સાયન્સમાં દાખલ કરતાંની સાથે જ ટ્યુશન ક્લાસ ચાલું કરાવ્યા.

કમળા અને તેના પતિની મહેનત લેખે લાગી. દીકરાનું ધોરણ બારનું નેવ્યાસી ટકા પરિણામ ને સરકારી કોલેજમાં ઓછી ફીએ સીવીલ એન્જિનિયરિંગ શાખામાં એડમીશન.આ બધી વિધિ પૂરી થઈ.

      શ્રધ્ધાબેન ધોરણ બારનું પરિણામ જાહેર થયું ત્યારથી જ કમળાને પુછ્યા કરે,"કમળા દીકરાનું રીઝલ્ટ શું આવ્યું એ તો કહે?"જોકે કમળાનો એક જ જવાબ હોય,"છોકરો ને એનો બાપ જાતે આવીને તમને બધું કહેશે."

     અને એ ઘડી આવી પહોંચી.એક વહેલી સવારે કમળા,એનો પતિ અને દીકરો ત્રણેય શ્રધ્ધાબેનના ઘેર આવીને ઊભાં રહ્યાં.કમળાના પતિના હાથમાં ધોરણ બારનું પરિણામ અને એન્જીનીયર પ્રવેશનો કાગળ,કમળાના હાથમાં મીઠાઈ ને રૂપિયા છે.અને દીકરા પાસે?

  કમળાના પતિએ દિપકભાઈને ધોરણ બારનું પરિણામ બતાવ્યા પછી સીવીલ એન્જિનિયરિંગ કોલેજમાં એડમીશનનો કાગળ પણ બતાવ્યો.દિપકભાઈ ઝડપભેર બોલી ઉઠ્યા,"અરે વાહ!કમળા!ખુબ ખુબ અભિનંદન તારા પરિવારને."
     આ સાથે જ પહેલાં તો કમળાએ શ્રધ્ધાબેનને મીઠાઈ આપી અને પછી હાથમાં રહેલું પોટલું આપતાં કહ્યું,"આ આપે આપેલ બક્ષીશની મૂડી બહેનની!
 પૂરા ચાળીસ હજાર રૂપિયા છે.ઘોરણ અગિયાર બાર ટુશનના વીસ હજાર ખર્ચતાં ને સાથેસાથે કોલેજનો ખરચો કરતાં આટલા વધ્યા છે.હવે મારા છોકરાનો કોલેજનો ખરચો આમાંથી કાઢશું ને સરકારેય પૈસા તો આલે છે ને?આ રૂપિયા આજે છોકરાના ખાતામાં મેલશું." શ્રધ્ધાબેન તો કમળાને ટગર ટગર જોઈ જ રહ્યાં.

     દિપકભાઈને હજી કમળાની વાતમાં કોઈ ખબર પડી નહોતી.તેઓ આશ્ચર્યભાવે બોલ્યા,"અરે ભઈ આ બધું શું છે?  મને તો કંઈ સમજાવો?"

કમળાએ સવિસ્તાર બધું સંભળાવ્યું.કમળાની વાત સાંભળીને દિપકભાઈ ઢીલા પડી ગયા.તેઓ શ્રધ્ધાબેન સામે ઘડીભર જોઈ જ રહ્યા. એજ વખતે કમળાનો દીકરો દિપકભાઈ પાસે આવ્યો.એના હાથમાં રહેલ વસ્તુ સામે ધરીને એ બોલ્યો, "લ્યો સાહેબ આ મસાલો.તમને બહું ભાવે છે ને!મીઠાઈ કરતાં આ મસાલો વધારે સ્વાદિષ્ટ હશે સાહેબ!

   રીતસર રડી પડ્યા દિપકભાઈ.એમની નજર ફરીથી શ્રધ્ધાબેન સાથે મળી.એ સાથે જ એમના મોંઢામાંથી આપમેળે શબ્દો સરી પડ્યા,"મને માફ કર શ્રધ્ધા.આજથી જ આ મસાલાનું વ્યસન બંધ."એ સાથે જ તેઓ શ્રધ્ધાબેનને ભેટી પડ્યા.

        થોડા સ્વસ્થ થઈને દિપકભાઈએ પોતાના વહાલસોયા પુત્ર હાર્દિકને બૂમ પાડી ને બોલાવ્યો.એના માથે હાથ મૂકીને પળવારમાં એમણે શપથ લીધા."હરામ છે આજથી માવો મસાલો.લ્યો લાવો હવે તો મીઠાઈ આપો!"

      પળવારમાં વાતાવરણ હળવું થઈ ગયું.દિપકભાઈ અને કમળાનો પરિવાર આજે સગા ભાઈઓનાં બે કુટુંબ હોય એ રીતે એક કલાક મન મુકીને વાતો કરતો રહ્યો.

લેખક:-નટવરભાઈ રાવળદેવ થરા.