નસીબ નો ખેલ

“સાહેબ,તમે જે કામ આપશો એ હું કરીશ, બીજું કંઈ નહી તો હું તમારી દુકાનમાં સાફસફાઈ કરી આપીશ. મારી માં બિમાર છે સાહેબ”
એ છોકરો છેલ્લી દસ મિનિટથી દુકાનદારને વિનવી રહ્યો હતો પણ મોહનલાલ ઘરાકીમાં વ્યસ્ત હોવાથી આ છોકરાને જવાબ આપી રહ્યા નહોતા છેવટે નવરા પડતાં તેમણે જરા કડક અવાજે છોકરાને પુછયું
“શું નામ છે તારું?”
“જીગર”
“ભણવા જાય છે?”
“પાંચ ચોપડી ભણ્યો સાહેબ,પણ બે મહીનાથી મારી માં બીમાર પડી પછી ભણવાનું મુકી દીધું અને કામ શોધું છું”
“શું થયું છે તારી માં ને?”
તેમણે પુછ્યું.
“મને તો કોઇ કંઇ કહેતું નથી કે એને શું થયું છે પણ આખો દિવસ ઉધરસ આવે છે અને મારા મામા એક દિવસ કો’કને ફોનમાં કહેતા હતા કે મારી માં ને ટીબી થયો છે,એની સારવાર તો સરકારી દવાખાનામાં ચાલે છે સાહેબ પણ ઘર ચલાવવા પૈસા તો જોવે ને”
“તારા પિતા કયાં છે?”
મોહનલાલ ખાતરી કર્યા વિના આ અજાણ્યા છોકરાને કામે રાખવા તૈયાર નહોતા.
“મારી માં કહે છે કે હું છ મહીનાનો હતો ત્યારે એ બિમારીને લીધે ગુજરી ગયા.”
કહેતાં તેની આંખો ભીની થઇ ગઇ.
મોહનલાલ થોડા નરમ પડયા આ છોકરાની વાત કરવાની છટામાં આજીજી સાથે ખુમારી પણ હતી અને આંખોમાં આત્મવિશ્વાસ.
“જો મારે આ કાચના વાસણોનો વ્યપાર છે તારે કાળજીપૂર્વક કામ કરવું પડે તારાથી ક્રોકરી તુટી ફુટી જાય તો મારે નુકસાન થાય.”
“હું ધ્યાન રાખીને કામ કરીશ સાહેબ છતાં મારાથી કંઇ ભૂલ થાય તો તમે મારાં પગાર માંથી એટલા પૈસા કાપી લેજો.”
મોહનલાલ થોડા કંજુસ અને કાચના વાસણો તથા મોંઘા આર્ટિકલ્સનો વ્યવસાય હોવાથી તેમને કચકચ કરવાની ટેવ હોવાથી કોઇ માણસ જાજો સમય એમની દુકાનમાં કામ ન કરી શકે એવી એમની છાપ હતી તેમને એકેય સંતાન નહોતું એટલે શ્રીમંત હોવા છતાં દુકાન એકલા હાથે જ સંભાળવી પડતી.
        એમાં આ છોકરો જરુરિયાત વાળો અને પ્રમાણમાં નાનો હોવાથી તેની પાસેથી મરજી મુજબ કામ લઈ શકાય અને નુકસાન થાય તો પોતે ભોગવવા તૈયાર હતો એટલે તેમણે કહ્યું,
“જો હું તને અત્યારે મહીને બે હજાર રુપિયા પગાર આપીશ પછી તારું કામ મને ફાવશે તો વધારી દઇશ પણ ધ્યાન રાખીને કામ કરજે.”
“હા સાહેબ મને મંજુર છે.”
જીગરની આવડત અને તેની કામ પ્રત્યેની લગન જોઇને મોહનલાલ તેનાથી ખુશ હતા.
અમુક એવા કપ,પ્યાલા, કાચની પ્લેટો હતી કે જે ઘણા સમયથી સાફ થઇ ન હતી તે બધું સરસ રીતે સાફ કરીને તેને ગ્રાહકો જોઇ શકે એ રીતે તેણે ગોઠવ્યા અને ઝડપથી છતાં એક પણ વાસણ ફુટે નહી એ રીતે તે બધું ગોઠવતો ગ્રાહકો સાથે પણ તે ખુબ નરમાશથી વાત કરતો અને બધું બતાવતો એનાથી મોહનલાલનો ઘણો ભાર ઓછો થઇ ગયો હતો અને આવકમાં પણ વધારો થયો હતો જે જુનો માલ પડ્યો હતો એ પણ ધીરે ધીરે વેચાતો જતો હતો.મોહનલાલે છ મહીનામાં જ એને પગારમાં પાંચસો રૂપિયા વધારી દીધા.
                          ત્રણ વર્ષથી વધુ સમયથી જીગર કામ કરતો હતો પણ એને જયારે માંની સાથે દવાખાને જવું હોય તો કહીને જતો અને એક-બે કલાકમાં તો પાછો આવી જ જતો પણ બે દિવસ સુધી તે ન આવ્યો એટલે શું થયું છે એ જાણવા શેઠે જાતે જઇને તપાસ કરી તો ખબર પડી કે હવે તેની માં આ દુનિયામાં નથી રહી. શેઠને જોઇને જીગર તરત તેની પાસે આવ્યો અને કહ્યું કે,
“હું બાર દિવસ નહી આવી શકું સાહેબ મારી માં ની બધી વિધિ મારા હાથે જ થાય એવી મારી ઇરછા છે મારા પિતાને તો મેં જોયા નથી મારી માં એ જ મને મુશ્કેલીઓ વેઠીને મોટો કર્યો એટલે મારી એના પ્રત્યેની આ અંતિમ જવાબદારી છે”
મોહનલાલને માન થઇ આવ્યું આ પંદર વર્ષના છોકરા પર તેમણે પાંચ હજાર રુપિયા આપતાં કહ્યું,
“લે,બેટા આ રાખી લે તારે કામ આવશે અને ચિંતા ન કરીશ આ પૈસા તારે પાછા નથી આપવાના તે જે કાળજીથી મારી દુકાન સંભાળી છે એનું ઇનામ છે આ.એમ કહી ત્યાં હાજર રહેલા એક-બે વડીલોને જરુર હોય તો જણાવવાનું કહી વિદાય થયા.હવે તે એકલો હોવાથી શેઠે તેને પોતાના ઘરે જ રહેવા આવી જવા કહ્યું અને પોતાના બંગલામાં જ એક નાની ઓરડી ચણી આપી.વધારાનો બધો સામાન તેણે વેચી દીધો અને જરુરી સામાન લઈને તે શેઠે બનાવી આપેલી ઓરડીમાં રહેવા આવી ગયો.હવે તો જીગર શેઠાણીને ઘરનું નાનુ મોટું કામ પણ કરી આપતો એટલે રમાબહેન પણ એને દિકરાની જેમ જ સાચવતા.હવે તે સતર વર્ષનો થયો હતો અને યુવાનીમાં પગ માંડી રહ્યો હતો એક દિકરાની જેમ તેણે મોહનલાલની બધી જવાબદારી સંભાળી લીધી હતી.એ વાત મોહનલાલ અને તેના પત્ની રમાબહેન સમજતાં હતા તેમણે નક્કી કર્યુ હતું કે આ છોકરાને જ પોતાનો વારસો આપી જવો જેથી એમની પાછળની બધી ધાર્મિક વિધિ સારી રીતે થાય. અચાનક એક દિવસ હ્દયરોગના હુમલાથી રમાબહેન સ્વર્ગે સિધાવતા મોહનલાલ એકલા પડી ગયા હતા પણ જીગર એમને કયારેય એકલુ ન લાગે એની કાળજી રાખતો સમયસર દવા આપતો અને એમની પાસે જ સુઇ જતો જેથી રાત્રે કંઇ જરૂર પડે તો એમને તકલીફ ન પડે.
નસીબ કયારે શું રમત રમે એ કોઇ નથી જાણતું પણ સત્કર્મોનુ ફળ હમેંશા સારું જ મળે છે એ કુદરતનો નિયમ છે. જીગરે વાવેલો ગોટલો એના માટે આજે આંબો બની ગયો હતો અને એમાં ફળ પણ આવે જ એ સ્વાભાવિક હતું એમાં જે ખાતરપાણી જોઇએ એ મોહનલાલના હતાં તો મહેનત જીગરની.
             છેલ્લા થોડા સમયથી મોહનલાલની તબિયત કથળી રહી હતી તેઓને લાગ્યું કે રમાની જેમ અચાનક મને કંઇ થઇ જાય તો મારી આ સંપત્તિ પર અન્ય લોકો હક લેવા આવે એના કરતાં હું જ મારું વીલ બનાવી લઉં જે મારા મૃત્યુ પછી વકીલ વાંચી સંભળાવે તેમણે તરત પોતાના નિર્ણય પર અમલ કરી એકદિવસ વકીલને ઘરે બોલાવી આ કામ પતાવી દીધું અને એ જ સાંજે જીગરને પાસે બેસાડીને કહ્યું કે “જો બેટા તે નાનપણથી આજ સુધી તે એક દિકરાની જેમ મારી જવાબદારીઓ સંભાળી લીધી છે તારાં આ વર્તનથી જ મને આ ઉંમરે નિવૃત્તિ મળી છે મેં મારા વકીલને વસિયતનામું લખીને જરુરી સહી કરી આપી છે કાલે સવારે મને કંઇ થઇ જાય તો આ એમનો નંબર અને એડ્રેસ છે તું એમને બોલાવી લેજે હાજર લોકો સમક્ષ એ મારું વસિયતનામું વાંચી સંભળાવશે તારું અને આપણી દુકાનનું ધ્યાન રાખજે મારા આશીર્વાદ સદા તારી સાથે જ રહેશે.”
અને એક કાગળ જીગરના હાથમાં આપ્યો જેમાં એ વકીલનુ નામ અને અન્ય વિગતો તેમણે લખી રાખી હતી.
“તમને કંઇ જ થવાનું નથી હું છું ને તમારે જે જોઇએ એ માટે મને આદેશ આપો અને દુકાનની ચિંતા મારા પર છોડીને આરામ કરો”


જીગરે એમને સાંત્વના આપતાં કહ્યું પણ એ જાણતો હતો કે ગમે એટલી સેવા કે કાળજી રાખવા છતાં તે રમાબહેનની ખોટ પુરી કરી શકે એમ નહોતો.આ વાતને એક મહિનો પણ થયો નહી હોય ત્યાં મોહનલાલ અંનતની વાટે ચાલી નીકળ્યા. તેમના દુરના સંબંધીઓ અંતિમવિધિ માટે આવ્યા રમાબહેનના પિયરથી પણ નજીકનાં સંબંધીઓ આવ્યા પણ મોહનલાલની ઇરછા મુજબ તમામ વિધિ જીગરના હાથે જ કરાવવામાં આવી અને તેમના વીલ મુજબ અમુક રોકડ રકમ તેના ભાઇના દિકરાઓને આપવા સિવાય બંગલો અને દુકાન જીગરના નામે કરી હતી.જીગરના પુરર્ષાથથી તેનું નસીબ ઘડાયું હતું હવે તે એ દુકાનનો માલિક હતો જયાં એકદિવસ હાથ જોડીને કામ માંગવા આવ્યો હતો.આજે પણ શેઠશેઠાણીના અને પોતાની માં ના ફોટાને પગે લાગીને જ દિવસની શરુઆત કરે છે.
             આ છે નસીબનો ખેલ જે રાજાને રંક તો રંકને રાજા બનાવી શકે છે.

————– સમાપ્ત

3 thoughts on “નસીબ નો ખેલ”

  1. Very touchy 😢
    સત્કર્મો નો બદલો અને પરસેવા નો પૈસો ક્યારેય એળે જતો નથી..👍🏻🙏

  2. કહેવાય છે ને કુદરત ને ત્યાં દેર છે પણ અંધેર નહિ..

Comments are closed.