પરણ્યા પહેલાની મીઠી મૂંઝવણ!

‘અનાવૃત’- શતદલપૂર્તિ

✒લેખક: જય વસાવડા

https://planetjv.wordpress.com/

પરણ્યાની પૂર્વસંધ્યાએ છોકરાના મનમાં જો કંઈક ગુમાવવાની ફીલિંગ હોય, તો છોકરીના મનમાં કશુંક પ્રાપ્ત કરવાની લાગણી હોય છે!

  • લગ્ન એટલે સજોડે સહજીવન. જેમાં હૌલે હૌલે ગ્રેજ્યુઅલી નર નારી બંનેના વ્યુ પોઇન્ટસ એકમેકને સમજતા અને એકમેક માટે બદલાતા વિસ્તરીને વિશાળ થતા જાય !
  • હેપી ફેમિલી બનાવવાનું સુલક્ષણ આ છે. જેમાં બધા બીજાને રાજી કરવા પોતે થોડું સહન કરવાનું સ્વીકારે ને એટલે સરવાળે બધા જ એકમેકમાં પોતાની અધૂરપ ઓગાળી ખુશ રહે !

સ ર સરલાને કહે છે: ‘જિંદગી જીવતાં આવડે છે તને? તારા ઘરની બારીમાંથી બેસીને ક્યારે આસમાન તરફ નજર કરી છે તેં?’

‘સર, એક્ઝામ્સ વખતે હું એ જ તો કરતી હોઉં છું!’

‘કેટલું મોટું આકાશ દેખાય છે તને?’

‘જેટલી મોટી બારી, એટલું મોટું આકાશ.’

‘એમાં પંખીઓ ઊડતાં દેખાય છે?’

‘હા, સર…’

‘ક્યાં સુધી જોઈ શકે છે પંખીઓને?’

‘સર, જ્યાં સુધી બારીમાંથી ઓઝલ ન થઈ જાય ત્યાં સુધી દેખાય છે, સર!’

‘પછી પણ એમને જોવા હોય તો?’

‘તો દરવાજા પર જતી રહું.’

‘ત્યાંથી પણ ઓઝલ થઈ ગયા તો?’

‘આંગણમાં.’

‘ત્યાંથી પણ દેખાતા બંધ થઈ ગયાં તો?’

‘છત પર…’

અને સરલાને સર સમજાવે છે: ‘દ્રષ્ટિકોણ નાનો કે મોટો નથી હોતો. જિંદગી જીવતા જીવતા આપોઆપ વિશાળ થતો જાય છે !’

આ દ્રશ્ય છે, મકરંદ દેશપાંડે લિખિત દિગ્દર્શિત અભિનીત એવું વિખ્યાત નાટક ‘સર,સર, સરલા’નું. મૂળ હિન્દી નાટક એક લેન્ડમાર્ક નાટક. મકરંદભાઉ સાથે સોનાલી કુલકર્ણી અને અનુરાગ કશ્યપ એ ભજવતા. એના પુસ્તકો થયા. બબ્બે સિક્વલ્સ આવી ! રિયલ લાઈફના હસબન્ડ વાઇફ એવા હવે સ્કીમ પછી નેશનલ સ્ટાર એવા પ્રતીક ગાંધી અને ભામિની ઓઝા-ગાંધીએ ઓજસ રાવલ.સાથે ગુજરાતીમાં સૌરભ શાહે કરેલ રૂપાંતર ભજવ્યું એમાં આ સંવાદ છે.

લગ્ન એટલે સ્ત્રી પુરુષનું મિલન નહિ. એ તો લગ્ન વિના કે લગ્ન ઉપરાંત પણ થતું એવી અઢળક પ્રાચીન કથાઓ છે. વર્તમાન વાસ્તવિકતા પણ છે. લગ્ન એટલે સજોડે સહજીવન. જેમાં હૌલે હૌલે ગ્રેજ્યુઅલી નર નારી બંનેના વ્યુ પોઇન્ટસ એકમેકને સમજતા અને એકમેક માટે બદલાતા વિસ્તરીને વિશાળ થતા જાય !

વડાપ્રધાને હમણાં મન કી બાતમાં યાદ દેવડાવ્યું કે ભારતમાં વેડિંગ એ પાંચ લાખ કરોડની ધીખતી ઇન્ડસ્ટ્રી છે ! પણ એ ઝાકઝમાળ લગ્ન સમારંભોની જેટલી તૈયારી થાય છે, એટલા તૈયાર બે પાત્રો, આ સહજીવનકથાના નાયક નાયિકાઓ દામ્પત્ય માટે તૈયાર હોય છે ખરા ? વાચન બધાનું પૂરું હોય નહિ ને એથી વધુ ઝડપથી તો શાંત રહી શાણપણ સમજાવતા સ્વજન ઘટી રહ્યા છે. જેમ રોટલી ચોળવતા કે ગાડી રિવર્સ લેતા વિડિયો જોઈને નહિ આવડે, એમ ઇન્સ્ટા પર ફોટા ભલે ઝગમગતા મૂકી દઈએ, એ ડિઝાઇનર ડ્રેસ ને પાર્લર મેક અપ ઉતરી ગયા પછી અજવાળું અંતરનું નહિ હોય તો ચોમેર અંધકાર વ્યાપી જશે !

https://chat.whatsapp.com/BhpbWj1rPEJ7YmSkp6vmZf join supersaheliya Readers

વર્ષો પહેલાં આ વિષય છેડેલો કે આપણે ત્યાં લવ મેરેજ ને એરેન્જડ મેરેજ ને એવી બધી ચર્ચાઓ થાય છે, પણ મેરેજ લાઇફ પહેલા યંગ પીપલ શું એંગ્ઝાયટી અનુભવે, એના સોલ્યુશન આપતી વાતો મિત્રોની મસ્તી સિવાય ખાસ કોઈ કરતું નથી. બધું ઝીણવટથી ગોઠવીએ એ તો ઇવેન્ટ થઈ. ઇમોશનનું શું ? ઉપદેશ આપવાની બદલે યુવા ચિત્તમાં ડોકિયું કરીએ તો એમની નર્વસનેસ સમજવા ?

વેલ, સૂરજ બડજાત્યાની ફિલ્મો આપણને યાદ દેવડાવ્યા કરે છે કે હમારે યહાં શાદી દો ઈન્સાનો કે બીચ નહિ, દો પરિવારો કે બીચ હોતી હૈ! યસ. શાદી. લગ્ન. મેરેજ. લોકશાહી પહેલાની માણસે શોધેલી પ્રથમ એ શોધ, જે વધુ સારા વિકલ્પના અભાવે અપનાવવી પડે છે! પણ ભાગ્યે જ કોઈ દુલ્હા-દુલ્હનના તનનો શણગાર જેટલા ધ્યાનથી નિહાળે છે, એવું જ ડોકિયું એમના મનમાં કરે છે.

ઠીક છે. સુહાગરાતે તો માની લો કે મોજના ઘોડાપૂરમાં નવદંપતીના વિચારો જ બંધ થઈ જતા હશે, પણ લગ્નની આગલી રાતે નર અને નારી શું વિચારતા હોય છે? લેટ્સ ગેસ.

એમ કહેવાય છે કે પત્નીની ફેવરીટ હોબી પતિની સુધારણા હોય છે. સ્ત્રી માત્રને કશુંક ‘ઘડવું’ બહુ ગમે છે. થોડીક ખામીઓ ધરાવતો કે નબળાઈઓ ધરાવતો પુરુષ એના માટે ‘ચેલેન્જ’ હોય છે, જેને ‘કંટ્રોલ’ કરવામાં વિડિયો ગેઈમ જેવી ‘કિક’ લાગતી હોય છે! માટે છોકરી એ વિચારતી રહે છે કે મિસ્ટર હસબન્ડમાં શું શું ઈમિજીએટલી ઈમ્પ્રુવ કરી શકાય તેમ છે. (આ બાબતે કાનવગી ટિપ્સ આપવા અનુભવી સહેલીઓ અને આન્ટીઓ એવરરેડી હોય છે.) જ્યારે પુરુષ એ જ વાતે મનોમન ગભરાતો હોય છે કે મિસીસ વાઈફ માટે હવે એહો શું શું બદલવાનું થશે! અલબત્ત, ઓસ્કાર વાઈલ્ડશાઈ ક્વોટ એવું કહે છે કે ી એવી આશામાં લગ્ન કરે છે કે પુરુષ મેરેજ પછી બદલાશે, પણ એ બદલાતો નથી. અને પુરુષ એવી અપેક્ષાથી કે મેરેજ પછી પણ સ્ત્રી એવી જ રહેશે, પણ એ બદલાઈ જાય છે! પેલો જોક હતો ને કે સારો પતિ કદી મળતો નથી. જે મળે એને ટીપીટીપીને સારો બનાવવો પડે છે. ખીખીખી.

તો મોટા ભાગના પુરુષોને પહેલી અકળામણ (અને ચિંતા) ઓર્ગેનાઈઝ થવા અંગેની હોય છે. બેચલર્સ લાઈફમાં ભોગવેલી ફ્રીડમ પર એડજસ્ટમેન્ટની તરાપ આવે છે. બાથરૂમમાં જેમ-તેમ બ્રશ-શેમ્પૂ છોડીને ન આવી શકાય. મનફાવે ત્યાં સુધી પથારીમાં ઘોરતા પડયા ન રહી શકાય. ન્હાઈને કપડાં ધોવામાં શિસ્તથી મૂકી દેવા પડે. ઘરમાં બૂક્સ કે સીડીઝ જ્યાં ત્યાં વેરવિખેર રાખી ન શકાય! વીખરાયેલા વાળ અને વધેલી દાઢી સાથે ફરી ન શકાય (એ શરૂઆતના થોડા મહિનાઓ પૂરતું જ, એ પાછળથી સમજાઈ જતું હોય છે.) કિચનમાં ઢાંક્યા વિનાના ખુલ્લા તપેલા અને ફ્રિજમાં અડધું ખાધેલું એપલ મૂકી ન શકાય, ફક્ત અન્ડરવેઅર પહેરીને ફરી ન શકાય, ફોન પર જોરથી ગાળો બોલી ન શકાય, મસ્ત કોઈ છોકરીને ટીકી ટીકીને જોઈ ન શકાય, અડધી રાત્રે ઉઠીને સેવમમરા ખાઈ ન શકાય!

નવા પાત્રનો આ બધી એકલા જીવવાની અનિવાર્ય આદતો પ્રત્યેનો પ્રતિભાવ કેવો હશે, એની થોડી ફડક પુરુષને રહેવાની. કારણ કે ગર્લફ્રેન્ડ હોય ત્યારે જે હોંઠોથી કિસ કરે, એ જ હોંઠોથી વાઈફ બનીને ઝાટકણી કાઢી શકે છે. પતિ શબ્દોમાં બોલે, ત્યારે પત્ની ફકરાઓમાં બોલતી હોય છે! કોમોડના ખુલ્લા ઢાંકણાથી બંધ પડેલા વાસી લોટના ડબ્બા સુધીની બાબતો બદલાવવાનું ટેન્શન મરદને મેરેજ અગાઉ થતું હોય છે.

મેજર ક્વેશ્ચન : મિસીસની રસોઈમાં માનો સ્વાદ આવશે?

સ્ત્રી એક્ઝેટલી આ જ બાબતોને (અને સાઈડમાં એના પતિને) કેમ હેન્ડલ કરશે,એની ગૂંચવણમાં હોય છે. ઈન્ફેક્ટ, આ બધું તો પત્નીના રોલમાં પ્રવેશ્યા પછી એ ઈઝીલી હેન્ડલ કરી શકે તેમ છે. પણ એને મૂંઝવણ ‘સાસરિયાં’ ઓને ‘ફિક્સ’ કરવાની હોય છે. ભારતીય ઘરમાં ‘હોમમેકર’ બનવાની એક નેચરલ કોર્સ વગર ડિગ્રીએ ઘરમાં મળી જતો હોઈને ચીજવસ્તુઓ ઠેકાણે રાખવી અને તોફાની છોકરાને શિસ્તબદ્ધ બનાવતા ટીચરનો રોલ ભજવવોએ નારી માટે રમતવાત છે. પણ એણે માત્ર પતિને જ નથી જીતવાનો, સાસુ, સસરા, નણંદ, ભાભી, જેઠાણી, દેરાણી ઈત્યાદિથી હારતા પણ બચવાનું છે. એક સાથે પા-અડધો-પોણો ડઝન અલગ-અલગ વ્યક્તિત્વોમાં એક ધડાકે એક સરખી આદર્શ છાપ ઉપસાવવાની છે.

આ એક પ્રકારની પાવરગેઈમ છે, જેમાં બહાર પાવર બતાવ્યા વિના પાવરફુલ બનવાનું હોય છે. નવા વાતાવરણમાં એડજસ્ટ થવાનો પડકાર બીજી સઘળી ‘ઈત્તર પ્રવૃત્તિઓ’ (હોબીઝ, યુસી)નું બાષ્પીભવન ઉર્ફે ઈવોપરેશન કરી નાખતો હોય છે. ગમતા ડ્રેસ પહેરી શકાશે? ક્યારે? કેટલી હદે? મન થાય ત્યારે ફ્રીજ ખોલીને ચોકલેટ ખાઈ શકાશે? ટીવીની ચેનલ્સ કોની સાથે વરની જેમ જ શેર કરવી પડશે? મોબાઈલ પર મનગમતું મ્યુઝિક સાંભળતા સાંભળતા ફુલકાં રોટલી વણાશે? બેડરૂમમાં શોર્ટ પહેરીને ફરાશે? જોબ પર જતી વખતે સાસુને મુકવાનું કહી શકાશે? બહાર ડિનર પતાવી અને નાઈટ શોમાં ફિલ્મ જોવાનું પ્લાનિંગ વીકમાં કેટલી વાર થઈ શકશે?

અને થોડા ટ્રેડિશનલ પરિવાર હોય તો સેંથો પૂરવાથી મંગળસૂત્ર લટકાવવા સુધીના સવાલો લટકામાં ઉમેરાતા જાય. સાડી જો પહેરવાની થાય તો પાણી ભરતી વખતે કછોટો વાળતા કેમ શીખવું? રોજ ચાંદલો કરવાનો? જીન્સ પહેરવા માટે કોને પટાવવાના ? સવારે પૂજા કરવા બેસવાથી શ્વસુરગ્રહે બધા ભક્તિભાવ જોઈને રાજી થશે કે કામકાજમાં ન જોડાવા માટે નારાજ? કેવી રસોઈ બધાને ભાવશે?

અને આ સાથે બીજાં કેટલાક કોમન કન્ફ્યુઝન્સ, જે બંનેને થઈ શકે છે. વેડિંગ નાઈટ પર એકબીજાને કઈ ગિફટ આપવી? હવે સૂતી વખતે પંખા/એસીને ક્યા સ્પીડ/ટેમ્પરેચર પર ચલાવવા? પથારીની બંને તરફથી ઉતરી શકવાની આઝાદી છીનવાઈ જવાનો અહેસાસ બંનેને સતાવતો હશે. અત્યાર સુધી (ડેટિંગ/સગાઈથી લગ્ન સુધી) પાડેલી ઈમ્પ્રેશન એક છાપરાં નીચે રહેવામાં કેટલું ડિપ્રેશન પેદા કરશે, એનું ય ટેન્શન થતું હોય છે. કારણ કે, રોમેન્ટિક મુલાકાતોમાં ભાગ્યે જ ઉલટી કે ઉલિયાં કરતાં, ચહેરા જોવાના રહે છે. નસકોરાં કે વાછૂટના અવાજો સાંભળવાના રહે છે. હવે એ છુપાવી નહિ શકાય. ફેસ પરનો મેકઅપ જ નહિ, માઈન્ડ પરનો માસ્ક પણ ઉતારવો પડશે ને! આ ટ્રિકી પોઈન્ટ છે નવા ભવિષ્યની શરૂઆત વખતે ભૂતકાળની ભૂલો બધી જ પારદર્શકતાથી એકબીજાને કહેવી? એનાથી ભરોસો બંધાશે કે ગેરસમજથી તૂટશે? નવું પાત્ર બધી જ જૂની વાત સમજી શકે ખરું?

નવુ પેટ નેઈમ શું? લગ્નમંડપમાંથી ફેસબુક પર વેડિંગનો પહેલો ફોટો સ્ટેટસ બદલાવી શેર કોણ કરશે? લગ્ન છે તો પેટ ભરીને ખાવું કે ભૂખ જ નહિ લાગે? એન્કઝાઈટીમાં ઊંઘ ન આવે, તો ય આરામ કરવો? અને આજના દોરમાં બની શકે, પરણતા પહેલા ગર્લ એન્ડ બોય બંનેના દિમાગમાં આગલી રાત્રે એમણે રિજેક્ટ કરેલા/બ્રેક-અપ થયેલા પુરાણા કોઈ પાત્રોના ચહેરા/મેસેજીઝ/ ઘટનાઓ બેઉને યાદ આવી શકે. અને પોતાના ફાઈનલ સિલેકશનની એમની સાથે ગુપ્ત એવી સરખામણી પણ થવા લાગે. અને માંકડા જેવું મન, અત્યારના નિર્ણય જ કેમ શ્રેષ્ઠ છે, એના ઓટો સજેશન પણ સિલેક્ટિવ મેમરીથી આપવા લાગે! કાલે શું પહેરીશું? ઘર-બહાર પહેરવાનું તો નક્કી જ હોય ને – અંદર શું પહેરીશું?

યસ, લગ્નની આગલી રાતે લગ્નની રાતના વિચારો તો ન આવે તો જ નવાઈ કહેવાય! શું કરવાનું છે, એ તો જાણતા હોય, પણ શરૂ કેવી રીતે કરવાનું? રોમેન્ટિક રૂપ બતાવવા જઈએ અને વેવલામાં ખપી જઈએ તો? ઉન્માદક અંત: વસ્ત્રો સાથે મનગમતા નખરાં ભેળવીને સેક્સી અવતાર ધારણ કરીએ અને કુસંસ્કારીની ઈમેજ બની જાય તો? બંને પાત્રો આ બાબતે ‘અનુભવી’ હોય તો ય બીજાને વધુ સંતોષ મળે એવું પરફોર્મ કરવાનું નર્વસ પ્રેશર અનુભવી શકે છે.

ફોર પ્લે કેટલો કરવો? વાતો કેટલી કરવી? અને કેવી કરવી? રાતનું જે સ્વરૂપ એકબીજા સામે આવે, એજ પતિ-પત્નીનું નર-માદા તરીકેનું સૌથી ઈન્ટીમેટ કનેકશન પરમેન્ટલી સેટ કરી શકે છે! એમાં હસવામાંથી ખસવું થાય તો પરમેનન્ટ ઈગો હર્ટ પણ થઈ શકે છે. એન્ડ યા, વી ધ પીપલ ઓફ ઈન્ડિયા માટે વર્જીનિટી ઈઝ સ્ટિલ બિગ ઈસ્યુ ઓવર એ સ્મોલ ટિસ્યુ. બંનેના મનમાં વર્જીન હોવા/સાબિત કરવાની ફડક રહે છે! અને એ માટેના દર્દની ચિંતા સ્ત્રી કરે તો કોન્ટ્રાસેપ્ટિવની ચિંતા પુરુષ! એકને ચાદરની ચોખ્ખાઈની ચિંતા થાય, તો બીજાને લુબ્રિકેશનની સુંવાળપની! કોણ આરંભમાં ગર્ભનિરોધ માટે ક્યા ઉપાય અજમાવશે, એ ય હનીમૂન માટે ક્યાં જવું કે ક્યા કલરનું ફર્નિચર વસાવવું એથી યે વધુ મોટો નિર્ણય હોય છે! એજ્યુકેશનની દાસ્તાન બાયોડેટામાં આપી શકાય છે, ઈરેકશનની નહિ!

જીવનના ત્રણ મહત્વના નિર્ણયોમાંના બે, જન્મ અને મૃત્યુ માણસના હાથમાં નથી.

એક લગ્ન એના હાથમાં કંઈક અંશે છે (એમાં ય અંતિમ પાસો તો નીયતિ જ ફેંકે છે) દરેક મોટા નિર્ણયની જેમ આગલી રાતે જ એ ખોટો હોવાની શંકા વધુમાં વધુ થઈ શકે છે. ઈટ્સ રિસ્ક વિથ પોઈન્ટ ઓફ નો રિટર્ન. કશુંક ગોટાળે ચડશે તો? વોટ એબાઉટ ફાઈનાન્સ? પ્રેક્ટિકલ પેઢી વિચારી શકે છે. કરિઅર-બેન્ક બેલેન્સ સેફટી માટે સ્ત્રીએ કેટલું રાખવું? અને પુરુષે કંઈક ગરબડ થાય તો કેટલું ગુમાવવું? અને સૌથી મોટી મૂંઝવણ કેટલા સિક્રેટસ દિલમાં ધરબી દેવા, અને કેટલા નિખાલસતાથી કબૂલવા?

કદાચ મનમાં થતી ડામાડોળને ખીલે બાંધવા જ જગતની સંસ્કૃતિઓએ મેરેજને ગ્રુપ ઈવેન્ટ અને સેલિબ્રેશન બનાવ્યા છે. મંડપારોપણથી જાન ઉઘલાવવા સુધીના વિધિઓ, કોડી રમવાથી છેડાછેડી છોડવા સુધીની ઘટનાઓ, વરઘોડિયાનું સામૈયું, ફટાકડા અને શોભાયાત્રા, વાનગીઓની સુગંધ અને શ્લોકોના ગાન, સાંઝા અને દાંડિયારાસ, ગીતસંગીત, બેચલર્સ પાર્ટી એન્ડ કેન નાઈટ (ફિમેલ બેચલર પાર્ટી) હસ્તમેળાપ અને અણવર, આણું અને જયમાલા… આ બધું જ એક ઈમોશનલ કંડિશનિંગ કરી નાખે છે. આ વળાંક એટલા લોકોની સાક્ષીમાં આવે છે કે એમાંથી કેઝ્યુઅલી પસાર થઈ શકાતું નથી. સમાજની ઉપસ્થિતિનો ભાર રહે છે. અને આ ખાનગી અલ્પવિરામ નહિ, પણ જાહેર પૂર્ણવિરામ છે, સ્વતંત્ર જીવનનું, એની જડબેસલાક અનુભૂતિ થાય છે. કદાચ બહુ માનસિક તાણ ન થાય, એ માટે જ સતત ભીડનો માહોલ રહે છે !

પરણ્યાની પૂર્વસંધ્યાએ છોકરાના મનમાં જો કંઈક ગુમાવવાની ફીલિંગ હોય, તો છોકરીના મનમાં કશુંક પ્રાપ્ત કરવાની લાગણી હોય છે! આમ કોરોનાનું લગ્નજીવન જેવું થઈ ગયું છે. શરૂઆતમાં અજીબ લાગે, પછી રોમાંચક લાગે, પછી નવીન લાગે, પછી ભયજનક લાગે, પછી થાક લાગે, કંટાળો આવે… ને પછી તમે ટેવાઈ જાવ !

હવે ભલે એનિમલની કાગડોળે રાહ જોવાતી હોય પણ આ વર્ષે રણબીર કપૂરનું મસ્ત મૂવી આવેલું એ પ્યાર કા પંચનામા ફેમ લવ રંજનનું ”તૂ જૂઠી, મૈં મક્કાર” એ વખતે સ્પોઇલર સાથે વાત કરીએ એ જોવાની મજા બગાડે એમ માની એને જોવાની ભલામણ કરી દીધી હતી. ફિલ્મમાં દેખીતી રીતે તો રોમ કોમ રિવેંજ હતો. બીજાના બ્રેક અપ કરાવનારે ખુદનું કરાવવું પડે ત્યારે એવો એક ડેનિયલ રેડકલિફની અંગ્રેજી ફિલ્મ પરથી ઇન્સ્પાયર્ડ પ્લોટ હતો. પણ ફિલ્મનો ખરો આત્મા એ નહોતો. એ ખોળિયા પાછળ આજની જનરેશનની લગ્ન પહેલાની એક મોટી મુંઝવણની બોલીવૂડ મેઈન સ્ટ્રીમમાં રેર એવી ચર્ચા હતી. એ વાત હતી, લગ્ન પહેલા થતા એ ઉચાટની જેમાં લગ્ન પછી જીવનસાથી ઉપરાંતના પાત્રો સાથે પણ જીવવાનું ને જીરવવાનું આવે એની. વધારે એ મૂંઝવણ સ્ત્રીને વેઠવાની આવે આપણા કુટુંબજીવનમાં. અને એ કોલ્ડ ફીટ થઇ જાય એટલે કે એવા કમિટમેન્ટમાં આગળ વધવાની ના પાડે, કે જેમાં ઘરની બીજી જવાબદારી માથે આવે.

નેચરલી, આવી મૂંઝવણમાં પહેલો સાથ પુરુષે આપવો પડે. જેમાં એણે બાળક મોટા કરવાથી લઈ રસોઈ સુધીના કામ વહેંચવા પડે. શેર કરવા પડે. પણ લગ્ન પછી જુદો જ સંસાર વસાવવાની વાતનું શું ? પશ્ચિમમાં તો ઠીક એક રીતે સ્ત્રી જ નહિ, પુરુષે પણ પેરન્ટ્સનું ઘર ૧૮ વર્ષ પછી છોડવાનું હોય છે. આપણે જીવનપદ્ધતિ જુદી છે. કમાણીના આધાર ને સંસ્કૃતિના તહેવાર વહેવાર અલગ છે. જે આગલી પેઢી સુધીના મમ્મી પપ્પાએ નિભાવ્યા ત્યારે આપણે આઝાદમિજાજ મોટા થયા છીએ. તિખારા ને બદલે તારાની ભાષામાં એની સમજણ ફિલ્મમાં રણબીર શ્રદ્ધાને આપે છે કે ”હું લગ્ન પછી તારા માટે આકાશમાંથી જરૂર તારા તોડી લાવીશ. પણ મારા પરિવાર, ( મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી વગેરે ) માટે પણ થોડા વધારે લેતો આવીશ. નાનો હતો ત્યારે એમનો સમય પણ મે ખાધો છે. હું છું એમાં એમનો હક છે. એમણે પરાણે એ જતાવી મારી મરજીની વિરૂદ્ધ જોહુકમી કરી હોત તો પ્રેમને બદલે અહંકાર આવી જાત ને મને જ લાગણી ઓસરી જાત. પણ એ તો પોતાના ભાગના સિતારાઓ પણ મારા પ્રેમ તરીકે તને આપી દેશે એની મને ખાતરી છે”

એકચ્યુઅલી, હેપી ફેમિલી બનાવવાનું સુલક્ષણ આ છે. જેમાં બધા બીજાને રાજી કરવા પોતે થોડું સહન કરવાનું સ્વીકારે ને એટલે સરવાળે બધા જ એકમેકમાં પોતાની અધૂરપ ઓગાળી ખુશ રહે !