પાલીવાલ બ્રાહ્મણો નું ગામ :કુલધરા

સમુહલગ્ન મહોત્સવ યોજાવાનો હતો આથી જ્ઞાતિની વાડી માં આખો પાલીવાલ બ્રાહ્મણ સમાજ ભેગો થયો હતો. વડિલો, યુવાનો, મહિલાઓ, તેમજ બાળકો ઉપસ્થિત હતા કારણ આજે રાજસ્થાન માં રહેતા પાલીવાલ બ્રાહ્મણ નાં વડિલ આ મહોત્સવમાં હાજરી આપવા ના હતા તેમજ તેઓ પાલીવાલ સમાજના ઉદભવ વિશે માહિતી આપવાના હતા તેથીજ નાના મોટા સૌ ભેગા થયા હતા.

વડિલ સ્ટેજ પર આવતા જ તેઓને નાની કન્યા દ્વારા હારતોરા કરવામાં આવ્યા તેમજ તાળીઓના ગડગડાટથી તેમને આવકારવામાં આવ્યાં.

વડિલે વાતની શરૂઆત કરી, આજે તમારા બધાના આગ્રહને વશ થઇને હું તમારી સામે છું મારે તમને આપણા પૂર્વજો વિશે થોડી માહિતી આપવી છે જે આમાંથી થોડા ઘણા લોકો જાણે છે.આપણો સમગ્ર સમાજ પૂર્વજો વિશે જાણે એવું હું ઇચ્છું છું.

રાજસ્થાન માં આવેલા જેસલમેરમાં મારો જન્મ આજે પણ હું ત્યાં જ રહું છું, જેસલમેર થી આશરે અઢાર વીસ કિલોમીટર દૂર આવેલું કુલધરા ગામ જ્યાં આપણા પૂર્વજો વસતા, તે કુલધરા ગામ વિશે મારે તમને બધાને આજે જણાવવાનું છે.

પાલી પ્રદેશથી સ્થળાંતર કરી ને રણ વિસ્તારમાં થોડા માણસનો કાફલો રહેવા માટે સારી જગ્યા શોધી રહ્યો હતો, રણમાં ગરમ ગરમ લુ લાગતી હતી પાણી ખૂબ જ ઓછાં પ્રમાણમાં હતું તે બાળકો માટે સાચવવા માં આવ્યું હતું માણસો તરસ્યા થયા હતા કોઈ જગ્યાએ પાણી નહોતું
મળતું.આગળ જતા ક્યાંક પાણી મળી રહે તે માટે બે જુવાનને દોડાવવામાં આવ્યા. બે યુવાનો ને અર્ધો કલાક ચાલ્યા બાદ એક નાનું તળાવ દેખાણું બન્નેના આનંદનો પાર ન રહ્યો, તેઓએ તે પાણી પીધું તે ખૂબ જ મીઠું હતું આ વેરાન રણ પ્રદેશમાં આ તળાવ મીઠી વીરડી સમાન હતું. બન્ને યુવાનો દોડતાં દોડતાં પરત ફર્યા હોંશભેર કાફલાના આગેવાનને જાણ કરી કે અહીં થોડે દૂર એક નાનું તળાવ છે અને તેમાં મીઠું પાણી છે જે અમે પીને આવ્યા.

કોઈને યુવાનોની વાત પર વિશ્વાસ ન બેઠો કારણ, આ સુકા વેરાન રણમાં પાણી ભરેલું તળાવ અને તે પણ મીઠા પાણીથી ભરેલું ખાતરી કરવા બધો કાફલો ઝડપભેર તળાવ પાસે પહોંચ્યો, આજુબાજુ નો વિસ્તાર સાવ ઉજ્જડ ને વચ્ચે એક નાનું તળાવ, એ તળાવમાં પાણી જોઈને બધાં આશ્ચર્ય ચકીત થઈ ગયા  બધાએ પેટ ભરીને પાણી પીધું પોતાની તૃષા ને છીપાવી.

કાફલાના આગેવાનો પોતાનું મગજ દોડાવવા લાગ્યા કે આખા રણમાં ક્યાંય પાણીનું ટીપું નથી જોવા મળતું તો અહીં આટલું બધું પાણી અને તે પણ મીઠું નક્કી આ જમીનમાં કંઈક હોવું જોઈએ કે તે જમીન પાણી સુકવતી નથી, બધાએ વિચાર વિમર્શ કરી બીજે ક્યાંય ભટકવાની બદલે તળાવની આસપાસ જ વસી જવાનું નક્કી કરી લીધું અને પોતાનો પડાવ નાખ્યો.

પાલી પ્રદેશથી આવેલો કાફલો બ્રાહ્મણ સમાજનો હતો તેથી તેઓ પાલીવાલ બ્રાહ્મણ તરીકે ઓળખાયા, પાલીવાલ બ્રાહ્મણો ની કુલધર જાતીએ આ સ્થળ નો વિકાસ કર્યો તેથી સ્થળને કુલધરા ગામનું નામ અપાયું.

પાલીવાલ બ્રાહ્મણો એટલે સુવિકસિત પ્રજા તેમનો મુખ્ય વ્યવસાય પશુપાલન નો તેથી તેઓએ કુલધર ગામ માં ખેતી શરૂ કરવાનું વિચાર્યું, પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી ઉજ્જડ  વેરાન જમીન પર સિંચાઇ વ્યવસ્થા સ્થાપી આ જમીન માંથી મબલક પાક ઉતારવા નું નક્કી કર્યું, તેઓએ ચણા, ઘઉં,જુવાર કઠોળ જમીન માં ઉગાડ્યા, આ બ્રાહ્મણોને વાસ્તુશાસ્ત્ર નું જ્ઞાન પણ હતું તેઓએ નાના મોટા મકાનો એકબીજાથી જોડાયેલા બનાવ્યા તેથી પહેલાં ઘરનો સંદેશો ફરતો ફરતો છેલ્લા ઘર સુધી પહોંચી શકે. ગામની રચના એ પ્રમાણે કરવામાં આવી કે દૂરથી આવતા અવાજો ખૂબ જ જલ્દી થી ગામ લોકો સુધી પહોંચી શકે,  મકાનોનું બાંધકામ પણ હવાની અવર-જવર થઇ શકે તે રીતે કરવામાં આવ્યું જેથી કરીને અસહ્ય ગરમી માં પણ ઠંડક વર્તાય.

ધીરે-ધીરે પાલીવાલ બ્રાહ્મણ ગામનો વિકાસ કરતા ગયા, ગામમાં કુવાઓ, કુત્રિમ ડેમ, વાવ બનાવવામાં આવ્યા જેથી પાણી ની ખેંચ ઊભી ન થાય. પાલીવાલ બ્રાહ્મણો બધાથી જુદા તરી આવતા હતા એવું કહેવાય છે કે આ બ્રાહ્મણોએ અગોચર શક્તિઓ અને તાકાત પોતાના વશમાં કરેલી હતી.

સમય વિતવાની સાથે કુલધરા ગામની આસપાસ બીજા ૮૩  ગામો વસ્યા કુલધરા ગામની પ્રસિધ્ધિ ઉતરોતર વધતી ગઈ દૂર દૂર સુધી તેમના વેપાર ધંધા ચાલવા લાગ્યા  સમૃદ્ધિમાં પણ વધારો થતો ગયો આ બધું લગભગ છસો વર્ષ સુધી ચાલ્યું.

કુલધરા ગામની પ્રસિદ્ધિ અને સમૃદ્ધિ બાજુમાં આવેલ જેસલમેરનાં દિવાન સલીમ સિંહ ને ખૂંચવા લાગી, તે અમથોય ધુની સ્વભાવનો હતો કઇ રીતે કુલધરા ની અપાર સંપત્તિ પોતાની કરી લેવી એ જ તે વિચાર્યા કરતો.

એક દિવસ દિવાન સલીમ સિંહ કુલધરા ગામની મૂલાકાતે આવ્યો ગામની જાહોજલાલી જોઈને તે અચંબામાં પડી ગયો, એકાએક તેની નજર રસ્તે ચાલતી યુવતી પર પડી ને દિવાન તેના મોહપાશમાં અંધ બની ગયો, ગમે તેમ કરીને આ યુવતી ને પોતાની બનાવવી એવા નિર્ધાર સાથે તે જેસલમેર પરત ફર્યો.

થોડાં દિવસો બાદ સલીમ સિંહના માણસે કુલધરા પહોંચી ને ગામના મુખી તેમજ ગામના શ્રેષ્ઠીઓને બોલાવ્યા ને દિવાન પેલી યુવતી સાથે પરણવા માંગે છે તેમ કહ્યું, મોટી મોટી લાલચો આપી ઉપરાંત એમ પણ કહ્યું કે દિવાન સાહેબના હુકમનો અનાદર કરશો તો તેનું માઠું પરિણામ ભોગવવા તૈયાર રહેવુ પડશે જેસલમેર નો દિવાન અને તેનો હુકમ તો પ્રજાએ માનવો જ પડે.

ગામ લોકો આ વાત સાંભળીને મુશ્કેલી માં મુકાઈ ગયા તેમ છતાં તેઓએ શાંતિથી કામ ને પાર પાડવાનો નિર્ણય લીધો, દિવાન જેની ઉપર મોહી પડ્યો હતો તે પુજારી ની દિકરી હતી  પુજારી ને આ વાતની જાણ થતાં તેમણે લગ્ન માટે ના પાડી કારણ પુજારી પાલીવાલ બ્રાહ્મણ હતા અને તેઓની જ્ઞાતિમાં એક જ ગૌત્ર માં લગ્ન થતાં હતાં બીજું ના પાડવાનું કારણ સલીમ સિંહ સાથે સંબંધ વધારવો એટલે ઝેરી સાપને દૂધ પીવડાવવા બરાબર હતું. દિવાન નાં માણસને સમજાવી પટાવીને ગામ લોકોએ રવાના કર્યો સલીમ સિંહને આ બાબતની જાણ થતાં તે વિફર્યો.

થોડાંક જ સમયમાં સલીમ સિંહે કુલધરા ગામ પર ભારે કર લાદ્યો જે ગામ લોકો માટે ભરવો મુશ્કેલ હતો છતાં લોકો અડગ રહ્યા, દિવાન ધૂંધવાઈ ઉઠ્યો પણ તે પીછેહઠ કરવા વાળો ન્હોતો. તેમણે ગામવાસીઓને ફરી ચેતવણી આપી કે તેઓ આગલી પૂર્ણિમા સુધીમાં પોતાના લગ્ન પેલી યુવતી સાથે નહીં કરે તો કુલધરા ઉપર આક્રમણ કરીને યુવતી ને ઉઠાવી જશે, દિવાન પોતાના તોરમાં ભૂલી ગયો હતો કે તેનો પનારો પાલીવાલ બ્રાહ્મણ સાથે પડ્યો છે.

સ્વમાન માટે પોતાનું માથું ઉતારી દે એવી પ્રજા હતી પાલીવાલ બ્રાહ્મણો, કુલધરા અને આસપાસના ૮૩ ગામોના આગેવાનોની બેઠક મળી દિવાનને તાબે થવાને બદલે આપણે સૌએ સાથે ગામ છોડીને ચાલ્યા જવું એમ નક્કી કરવામાં આવ્યું.

એક યુવતી માટે ૮૩ ગામના લોકો પોતાનું હર્યું ભર્યું ઘર છોડવા તૈયાર થઈ ગયા તેમની માનસિકતા ને દાદ દેવી પડે. સ્થળાંતર કરવા માટે આવતી પૂર્ણિમાની રાત નક્કી કરવામાં આવી.દિવાનથી છંછેડાયેલા બ્રાહ્મણો ચૂપ બેસી રહે તેમાંના નહોતા. બ્રાહ્મણો એ પોતાને વશ કરેલી અગોચર શક્તિ અને તાકાત નો ઉપયોગ કરીને મંત્ર જાપ શરૂ કર્યા, ગામ છોડવાના છેલ્લા દિવસોમાં કુલધરા ગામ મંત્ર તંત્ર થી ગુંજી ઉઠ્યું.અનેક વિધીઓ શરૂ થઈ, આહવાન કરવામાં આવ્યાં.
જે અગોચર શક્તિ અને તાકાત નો ઉપયોગ કરીને કુલધરા ગામ વસાવવામાં આવ્યું હતું તેજ શક્તિ અને તાકાત થી ફરી કુલધરા ગામ ઉજ્જડ અને વેરાન બની જવાનું હતું.

પુનમની રાત આવી પહોંચી શીતળ ચાંદની વરસી રહી હતી કુલધરા અને તેની આસપાસના ગામોમાં રહીને સમૃદ્ધ થયેલા લોકો  રાત્રે પોતે વસાવેલા ગામને છોડીને જવા તૈયાર થઈ ગયા હતા.આજે તેઓનો ગામમાં રહેવા માટે નો છેલ્લો દિવસ હતો. જેસલમેર નો દિવાન કુલધરા ગામ ઉપર આક્રમણ કરે તે પહેલાં જોઈતી ચીજવસ્તુઓ સાથે લઈને રાતોરાત  કુલધરા અને આસપાસના ૮૩ ગામ ઉજ્જડ થઈ ગયા.સમગ્ર પાલીવાલ બ્રાહ્મણો એ રાતોરાત કુલધરા ગામ છોડ્યું તે ૧૮ મી સદી હતી પછી તેઓ કંઈ બાજુ ગયા તે ખબર નથી.( અત્યારે આખા ભારતમાં પાલીવાલ બ્રાહ્મણો વસ્યા છે ) તેઓના ગયા પછી આજ સુધી કુલધરા ગામ માં કોઈ વસી શક્યું નથી.

સમય જતાં ધીરે-ધીરે ૮૨ ગામોમાં લોકોએ ફરી વસવાટ શરૂ કર્યો. બે ગામો હંમેશ માટે ખંડેર રહ્યા એક ખાબા ફોર્ટ અને બીજુ‌ કુલધર, લોકોએ અહીં વસવાટ કરવાના પ્રયત્નો કર્યા પણ કોઈ ને કોઈ કારણસર તેઓને ગામ છોડવા પડ્યા.

ઈતિહાસકારો સલીમ સિંહને બેકસુરવાદ ઠરાવે છે તેઓનું એમ માનવું છે કે કુલધરા નું પતન દુષ્કાળ ને કારણે થયું છે અમુક લોકો કુલધરા ની ખંડેર હાલત ધરતીકંપ ને લીધે થઈ છે તેવું કહે છે. પહેલાં તો અહીં ખૂબ જ પ્રમાણમાં પાણી જોવા મળતું હતું હવે તો દુકાળ બારે માસ જોવાં મળે છે.

એક વાત નક્કી છે કે કુલધરા ગામને જે હાલતમાં છોડવામાં આવ્યું હતું તે હાલતમાં હજી એમને એમ ઉભું છે ઘરવખરી, તૂટેલા વાસણો, જમીનની અંદર દટાયેલો ખજાનો જેમનો તેમ છે.ગામ વાસીઓ અંબાજી, ગણેશજી કૃષ્ણ ને બહુ માનતા હાલ પણ અદ્ભુત કોતરણી વાળુ કૃષ્ણ ભગવાનનું મંદિર ખંડેર હાલતમાં જોવા મળે છે જોકે મંદિર ના ગર્ભગૃહ માં મૂર્તિ નથી. મંદિર થી થોડે દૂર એક છતરડી છે અહીં ફરવા આવનાર ને ભૂતોનો અનૂભવ થયો છે ગામમાં એક વાવ છે જે બહુજ ડરામણી જગ્યા છે કહેવાય છે કે વાવના દિવસે દેખાતા શાંત પાણી રાત્રે અલગ જ મિજાજ ધરાવે છે.આ વાવમાં ડૂબીને અનેક લોકોનાં મોત થયા છે.

લોક વાયકા પ્રમાણે આજના દિવસે કોઈ કુલધરા ગામ જોવા માટે આવે છે તો તેઓને કોઈ ને કોઈ પ્રકારે ભૂતનો પરચો મળે છે જે લોકો ત્યાં રહેવા માંગે છે તેઓને ચિત્રવિચિત્ર અવાજો સંભળાયા કરે છે રાત્રી દરમિયાન નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થતી જોવા મળે છે કુલધરા ગામમાં રાત્રિ રોકાણ કોઈ કરી શકતું નથી કદાચ પાલીવાલ બ્રાહ્મણો ની નારાજગી ને લીધે આમ થતું હશે.

બે સદી વિતી ગઈ હોવા છતાં કુલધરા ગામનું રહસ્ય કોઈ જાણી શક્યું નથી દેશ વિદેશ થી હજારો સહેલાણીઓ અહીં આવે છે પાલીવાલ સમાજની ઝલક મેળવે છે ક્યારેક અમૂક વિચિત્ર અનુભવો પણ સાથે લઈ જાય છે.હાલ, સાંજ સુધી જ કુલધરા ગામમાં જવાની પરવાનગી મળે છે.

રાજસ્થાન જાઓ ત્યારે કુલધરા ગામની મુલાકાત લેવાનું ચૂકશો નહીં ભૂતિયા જરૂર છે પણ એક યુવતી ની ઈજ્જત માટે આવડું મોટું બલિદાન આપનારી પ્રજા કેટલી વિકસીત અને સમૃદ્ધ હતી તે એક આપણને દ્રષ્ટાંત પૂરૂં પાડે છે.

જો આપ સૌ ઈતિહાસ માં શોખ ધરાવતા હોય અગોચર શક્તિ જાણવા માગતા હોય તો કુલધરા ગામ અવશ્ય જશો.અહીં મારી વાચા ને વિરામ આપું છું કહી વડિલે  બેઠેલી આમજનતા ને કહ્યું, આપણે બુધ્ધિશાળી, વિકસીત અને સમૃદ્ધ પ્રજાનાં વારસ છીએ તે આપણા માટે ગૌરવની વાત છે.

તાળીઓના ગડગડાટથી આઓ હોલ ગુંજી ઉઠ્યો.

પલ્લવી ઓઝા
 “નવપલ્લવ”