પૂર્ણતા

એ દિવસ મને બરાબર યાદ છે.જો કે એ વાતને તો વર્ષો વિતી ગયા.પરંતુ કેટલીક યાદો આપણા માનસપટ પર હંમેશ માટે અંકિત થઈ ગઈ હોય છે.સવારના લગભગ નવ વાગ્યાની આસપાસ એક સજ્જન મારે ત્યાં આવ્યા.ત્યારે તો હું નવમા ધોરણમાં હતી છતાંય મને આજીજીભર્યા સ્વરમાં કહેવા લાગ્યા,”બેટી,મારી દીકરી જોઈ શકતી નથી એ એસ.એસ.સીની પરિક્ષા આપી રહી છે એના માટે “રાઈટર” તરીકે તું આવીશ?”

હું તરત બોલી ઉઠી,”હું જરૂરથી આવીશ.”
એ સજ્જન બોલ્યા,”હું તને લેવા મુકવા પણ આવીશ.”
આ સાંભળતાં જ મારા પપ્પા બોલી ઉઠ્યા,”તમારે એવી તકલીફ લેવાની જરૂર નથી.હું જાતે આવીને મુકી જઈશ અને લઈ  જઇશ.મારી દીકરીની લખવાની ઝડપ ઘણી છે.એ બાબતમાં તમે સહેજ પણ ચિંતા કરતાં નહીં.”

બીજે દિવસે અમે સમયસર પહોંચી ગયા.એમનું નામ દ્રષ્ટિ હતું.ખૂબ જ સુંદર.જાણે કે ભગવાને ફુરસદના સમયમાં બનાવી હોય.લાગે કે ભગવાન કદાચ આંખો મુકવાનું ભુલી ગયા હશે કે આ સુંદર યુવતીને નજર ના લાગે એટલે કાળા ટપકાં રૂપે આંખોની રોશની નહીં મુકી હોય!હું એમની સાથે ખૂબ જ હળીમળી ગઈ હતી.પછી તો હું જ એમની પરિક્ષા વખતે એમની રાઈટર તરીકે જતી.પરિચય વધતો ગયો.લોહીનો સંબંધ ના હોવા છતાં પણ અમારી વચ્ચે  આત્મીયતા બંધાઈ ગઇ હતી.હું એમને હંમેશ દીદી કહીને બોલાવતી.

સમય તો ક્યાં પસાર થતો ગયો એ ખબર જ ના પડી.એક દિવસ દીદીના લગ્નની કંકોત્રી મળી.હું દીદીને મળવા ગઈ ત્યારે ખબર પડી કે એકદમ “હેન્ડસમ”લાગતા દર્પણ જોડે એમના લગ્ન થવાના છે.એ કોઈ  NGO. ચલાવતા હતા.દીદી કહે,”એ તો સંપૂર્ણ છે છતાં ય મારા જેવી યુવતીને પસંદ કરી.”
મેં દીદીના મોં પર હાથ મુકી દીધો કહ્યું,”દીદી આવું ના બોલો.સૌંદર્ય તો સ્વભાવનું હોય છે.નહીં કે દેખાવનું.જીજાજી તમારી આંખો બની રહેશે.

થોડા સમય બાદ દીદીને અમારી સોસાયટીની બહાર આવેલી બેંકમાં નોકરી મળી ગઇ .હું વારંવાર દીદીને મળવા જતી.

ત્યારબાદ મારા પણ લગ્ન નક્કી થયા.હું જ્યારે દીદીને કંકોત્રી આપવા એમને ઘેર ગઇ ત્યારે એમના ઘરમાંથી મોટે મોટેથી બોલવાના અવાજો આવી રહ્યા હતા.મારા પગ ત્યાં જ થંભી ગયા.
જીજાજીનો અવાજ આવી રહ્યો હતો.”આંધળી ને પરણીને હું પસ્તાયો.સમાજમાં સારૂ દેખાડવા અને વાહ વાહ મેળવવા મેં લગ્ન તો  કર્યા પણ હું દુઃખી દુઃખી થઈ ગયો.”દીદીના ધ્રુસકા છેક બહાર સુધી સંભળાતા હતાં.મને આધાત લાગ્યો પણ ઘરમાં ગયા વગર છૂટકો જ ન હતો.કંકોત્રી આપી હું તરત બહાર નીકળી ગઇ .

હું બીજા શહેરમાં ગઈ ત્યાં મને કોલેજમાં નોકરી પણ મળી ગઈ.ઘરમાં નોકરચાકર હોવાના કારણે દિવસનો મોટાભાગનો સમય વાંચવામાં જતો.દરેકે દરેક મિનિટનો સદઉપયોગ કરવાની તક મળી.મારી નાનપણની ટેવ કે જમતી વખતે પણ હું વાંચતી જ હોઉ.ક્યારેક જરૂરી નોટ પણ લખી રાખતી.

દિવસો અને વર્ષો આમ જ પસાર થતા હતાં.ધીરેધીરે મને લાગ્યું કે મને ઝાંખુ દેખાય છે.પણ મેં ગણકાર્યું નહીં.એક દિવસ તો એક આંખે દેખાવાનું બંધ થઈ  ગયું. હાથમાંની વસ્તુઓ પડી જતી.એ વાતની નોંધ મારા પતિએ લીધી.મને પૂછ્યું ત્યારે મેં સાચી હકીકત કહી.પરંતુ અત્યાર સુધી આ વાત નહીં કહેવા બદલ મને ઠપકો પણ આપ્યો.પણ મારા માનસપટ પર દીદીને એમના પતિ દ્વારા કહેવાયેલા શબ્દ યાદ આવતાં હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી.મારી વાત સાંભળી એ ગુસ્સે થઈ બોલ્યા,”મારી સાથે આવી બાલિશ વાતો કરવાનુ બંધ કર.”
થોડુ અટકી ને બોલ્યા,”જો આપણે પૈસાની જરૂર  નથી તું તારા શોખ ખાતર નોકરી કરે છે.રાજીનામુ આપી દે.”
મને વધારે રડવું આવ્યું.હું વિચારતી હતી કે ઘેર બેસીને હું શું કરૂ?પંચાત કે ઓટલા પરિષદનો હિસ્સો!

જો કે મોડુ ઘણુ જ થઈ ગયું હતું.ડૉક્ટરે કહ્યું કે આપણે પ્રયત્ન કરીશું.પણ થોડો વખત આંખોને આરામ આપવાની જરૂર  છે.”

બીજે દિવસે હું જમવા બેઠી ત્યારે મારા પતિ બોલ્યા,”હું વાંચુ છું તું સાંભળ.જો તારા કાન સલામત છે.હવે તો તું બોલીશ તો પણ લખાઈ જશે.તું બોલી શકે છે સાંભળી શકે છે એનો વિચાર કર.સારૂ વિચાર.હું તો તારી સાથે જ છું.”

થોડીવાર અટકીને બોલ્યા,”લગ્નનો અર્થ એકબીજાની ખામી સ્વીકારી અને એકબીજાના પૂરક બનવું.ઈશ્વરે એટલે જ સ્ત્રીપુરૂષનું નિર્માણ કરી એકબીજાને એકબીજાના પૂરક બનાવ્યા છે.તેથી તો પૂર્ણતા પ્રાપ્ત થઈ શકે.”
આ વાક્ય સાંભળતા જ હું મારી જાતને દુનિયા ની સૌથી સુખી સ્ત્રી માની ઈશ્વરનો આભાર  માનવા લાગી.