મકાન એજ ઘર

મકાન ને ઘર બનાવવું પડે !

પરેશને નવું ઘર લેવું હતું તેથી તે ગુગલ ઉપર સર્ચ કરી રહ્યો હતો, ત્યાં તેમની નજર “ધરતીનો છેડો ઘર” વાક્ય ઉપર નજર ગઈ. તેમાં શું લખાણ છે? તે જાણવા માટે પરેશે ‘ક્લિક’ કર્યું. ત્યાં લખાણ લખેલું હતું,

“ઘર એટલે માત્ર ધરતીનો છેડો જ નહીં,આખા દિવસની હાસ, દુનિયા ભરની નિરાંત, મસ્તી ભર્યું વાતાવરણ
આવકાર સલામતી પોતીકાં પણું મળે તે ઘર કહેવાય.”

વાંચતાની સાથે જ પરેશ વિચારવા લાગ્યો, એક મહિનાથી તે ઘરે ન્હોતો ગયો, પોતે મેડિકલ લાઈનમાં હોવાથી બહાર ફરવાનું રહેતું. મહિનાનાં વીસેક દિવસ પોતે ઘરની બહાર રહેતો જેને કારણે પત્ની સુધા નારાજ રહેતી.

પરેશને સંતાનમાં એક દીકરો, જે પરણી ગયો હતો, પોતાની પંચોતેર વર્ષની માતા જયાબેન, જેઓ પિતા ગુજરી ગયા પછી પરેશ ભેગાં રહેતા હતા. સુધા દીકરાને પરણાવ્યો હોવાથી સાસુ બની ગઇ હતી તેથી જયાબેનની હાજરી સુધાને આંખના કણાની જેમ ખુચંતી હતી.

પરેશ પાંચ દશ દિવસ માટે ઘરે આવે ત્યારે સુધાની પાસે કોઈ સારી વાતને બદલે માત્ર જયાબેનની ફરિયાદ જ હોય, ‘બા આમ નથી કરતા ને બા તેમ નથી કરતા, મારૂં કશું સાંભળતા નથી ,પોતાનું ધાર્યું જ કરે છે.’

પરેશે, કેટલી વાર સુધાને સમજાવ્યું કે, “હવે બા ની ઉંમર થઈ, તેઓ પોતાના વતન ગામડે રહી શકે તેમ નથી. આપણું ત્યાં કોઈ રહેતું પણ નથી. સાજે-માંદે આપણાથી દર વખતે તાત્કાલિક જઈ શકાતું નથી તેથી બા આપણી સાથે જ રહેશે.”

એક વખત ઓચિંતો પરેશ ઘરે આવ્યો, દીકરાની વહુ પિયર ગઈ હતી ને સુધા બાને લાંબા ટૂંકા હાથ કરીને કહી રહી હતી, “હવે તમે તમારા ગામડે સિધાવો તો હું મારા મા-બાપને અહીં બોલાવું તેમને તમારી સાથે રહેવું નહીં ફાવે, આમેય ઘણા ટાઈમથી તમે અહીં છો તેથી મારા માતા-પિતા આવી નથી શકતા.”

પરેશ બહાર ઉભો ઉભો બધી વાત સાંભળતો હતો, પરેશને એક વખત તેની બા એ કહ્યું પણ હતું કે, “દીકરા મને ગામડે મુકી જા, મારૂં મોત મારા પોતાના ઘરમાં જ્યાં હું પરણીને આવી હતી ત્યાં થાય તેમ ઇચ્છું છું. હવે તારી વહુના લવકારા મારાથી નથી સંભળાતા.”

સુધાનુ બા સાથેનુ આ પ્રકારનું વર્તન જોઈને પરેશ ઉકળી ગયો ઘરમાં દાખલ થતાં જ જયાબેન ને ઉદ્દેશીને કહેવા લાગ્યો, “બા ચાલો હવે હું અને તમે, આપણે ગામડે જઈએ ત્યાં બન્ને સાથે રહીશું. સુધા ભલે તેના મા-બાપ સાથે અહીં રહે.”

“બેટા, તારો સંસાર તારૂં ઘર તારી નોકરી.”

“બા તમે પંચોતેર નાં ને હું ત્રેપન નો થયો. હવે કંપની મને બે પગાર વધારાનાં આપશે ને ગામડામાં ઘર જેવું લાગશે.”

“તો, આ તમારૂ ઘર નથી?” પાછળ ઉભેલી સુધાએ ખિજાયને કહ્યું.

“આ ઘર તારૂ વધારે છે. હું, તો ઘરમાં મહિનામાં અઠવાડિયું જ રહેતો. ચાલો બા, આપણે મા-દીકરો ગામડે જઈએ અને સુધાના માતા-પિતા માટે આ ઘરમાં જગ્યા કરી દઈએ તમારો સામાન પેક કરો.”

“પણ.. પણ..” સુધા બોલતી રહી ગઈ

થોડો વિચાર કરીને પરેશ બોલ્યો, “સુધા, ઘર કોને કહેવાય તે ખબર છે તને? ‌ હું આખો મહિનો બહાર રઝળપાટ કરતો હોઉં ને અઠવાડિયા માટે ઘરે આવું ત્યારે મને હાશકારો થાય, દિલને શાંતિ મળે, ઘરમાં પોતાનાપણું લાગે. તને, બા ને અને દીકરાને જોઈને આનંદ થાય પણ જ્યારે, હું ઘરે આવું ત્યારે ઝઘડા ને કંકાશ સિવાય બીજું કશું જોતો જ નથી. આ માટે જ મારે, બાને લઈને ગામડે રહેવા જવું છે ત્યાં હું ને બા શાંતિથી તો રહી શકીએ ને !”

સુધા એકીટશે પરેશાની સામું જોઈ રહ્યી, તેની આંખમાંથી દડદડ આંસુ વહ્યા જતા હતા તેણે બા નાં પગમાં પડી કહ્યું, “બા મને માફ કરી દો, હવેથી હું આવી ભૂલ નહીં કરૂં. તમે, અહીં જ રોકાય જાવ, તમારે ગામડે નથી જવાનું.”

પરેશની માફી માંગતા સુધાએ કહ્યું, “તમે, મને માફ કરી દો. આપણે બધા સાથે રહીશું, આનંદ કરીશું, ને બા ની છત્રછાયામાં રહીને આ મકાનને ઘર બનાવીશું, પરોણાની આગતાસ્વાગતા પણ કરીશું.”

પરેશે અને જયા બેને એકબીજાની સામું જોઈ ડોકું હલાવ્યું.

જયાબેને હસતાં હસતાં કહ્યું,. “ઘર એટલે ઇંટ, ચૂનો સિમેન્ટ નું માત્ર ચણતર નહી પરંતુ વડિલોને માન ને નાનેરાઓ ને વ્હાલ હોય તેને ઘર કહેવાય. તમારી આજ સાથે જોડાયેલ અમારી ગઇકાલ મારો દીકરો પરેશ ભૂલ્યો નથી તેથી હું એટલું જ કહીશ ‘મારા’ માંથી ‘અમારા’ કહેતા થાવ ને મકાનને ઘર બનાવો જેથી કરીને થાક્યો પાક્યો સાંજે માણસ ઘરે આવે ત્યારે તેને હાશકારો થાય. અમથું ય ‘ધરતીનો છેડો ઘર’ જ છે.”

પલ્લવી ઓઝા
  “નવપલ્લવ”

રીડ મોર

1 thought on “મકાન એજ ઘર”

Comments are closed.