મકાન એજ ઘર

મકાન ને ઘર બનાવવું પડે !

પરેશને નવું ઘર લેવું હતું તેથી તે ગુગલ ઉપર સર્ચ કરી રહ્યો હતો, ત્યાં તેમની નજર “ધરતીનો છેડો ઘર” વાક્ય ઉપર નજર ગઈ. તેમાં શું લખાણ છે? તે જાણવા માટે પરેશે ‘ક્લિક’ કર્યું. ત્યાં લખાણ લખેલું હતું,

“ઘર એટલે માત્ર ધરતીનો છેડો જ નહીં,આખા દિવસની હાસ, દુનિયા ભરની નિરાંત, મસ્તી ભર્યું વાતાવરણ
આવકાર સલામતી પોતીકાં પણું મળે તે ઘર કહેવાય.”

વાંચતાની સાથે જ પરેશ વિચારવા લાગ્યો, એક મહિનાથી તે ઘરે ન્હોતો ગયો, પોતે મેડિકલ લાઈનમાં હોવાથી બહાર ફરવાનું રહેતું. મહિનાનાં વીસેક દિવસ પોતે ઘરની બહાર રહેતો જેને કારણે પત્ની સુધા નારાજ રહેતી.

પરેશને સંતાનમાં એક દીકરો, જે પરણી ગયો હતો, પોતાની પંચોતેર વર્ષની માતા જયાબેન, જેઓ પિતા ગુજરી ગયા પછી પરેશ ભેગાં રહેતા હતા. સુધા દીકરાને પરણાવ્યો હોવાથી સાસુ બની ગઇ હતી તેથી જયાબેનની હાજરી સુધાને આંખના કણાની જેમ ખુચંતી હતી.

પરેશ પાંચ દશ દિવસ માટે ઘરે આવે ત્યારે સુધાની પાસે કોઈ સારી વાતને બદલે માત્ર જયાબેનની ફરિયાદ જ હોય, ‘બા આમ નથી કરતા ને બા તેમ નથી કરતા, મારૂં કશું સાંભળતા નથી ,પોતાનું ધાર્યું જ કરે છે.’

પરેશે, કેટલી વાર સુધાને સમજાવ્યું કે, “હવે બા ની ઉંમર થઈ, તેઓ પોતાના વતન ગામડે રહી શકે તેમ નથી. આપણું ત્યાં કોઈ રહેતું પણ નથી. સાજે-માંદે આપણાથી દર વખતે તાત્કાલિક જઈ શકાતું નથી તેથી બા આપણી સાથે જ રહેશે.”

એક વખત ઓચિંતો પરેશ ઘરે આવ્યો, દીકરાની વહુ પિયર ગઈ હતી ને સુધા બાને લાંબા ટૂંકા હાથ કરીને કહી રહી હતી, “હવે તમે તમારા ગામડે સિધાવો તો હું મારા મા-બાપને અહીં બોલાવું તેમને તમારી સાથે રહેવું નહીં ફાવે, આમેય ઘણા ટાઈમથી તમે અહીં છો તેથી મારા માતા-પિતા આવી નથી શકતા.”

પરેશ બહાર ઉભો ઉભો બધી વાત સાંભળતો હતો, પરેશને એક વખત તેની બા એ કહ્યું પણ હતું કે, “દીકરા મને ગામડે મુકી જા, મારૂં મોત મારા પોતાના ઘરમાં જ્યાં હું પરણીને આવી હતી ત્યાં થાય તેમ ઇચ્છું છું. હવે તારી વહુના લવકારા મારાથી નથી સંભળાતા.”

સુધાનુ બા સાથેનુ આ પ્રકારનું વર્તન જોઈને પરેશ ઉકળી ગયો ઘરમાં દાખલ થતાં જ જયાબેન ને ઉદ્દેશીને કહેવા લાગ્યો, “બા ચાલો હવે હું અને તમે, આપણે ગામડે જઈએ ત્યાં બન્ને સાથે રહીશું. સુધા ભલે તેના મા-બાપ સાથે અહીં રહે.”

“બેટા, તારો સંસાર તારૂં ઘર તારી નોકરી.”

“બા તમે પંચોતેર નાં ને હું ત્રેપન નો થયો. હવે કંપની મને બે પગાર વધારાનાં આપશે ને ગામડામાં ઘર જેવું લાગશે.”

“તો, આ તમારૂ ઘર નથી?” પાછળ ઉભેલી સુધાએ ખિજાયને કહ્યું.

“આ ઘર તારૂ વધારે છે. હું, તો ઘરમાં મહિનામાં અઠવાડિયું જ રહેતો. ચાલો બા, આપણે મા-દીકરો ગામડે જઈએ અને સુધાના માતા-પિતા માટે આ ઘરમાં જગ્યા કરી દઈએ તમારો સામાન પેક કરો.”

“પણ.. પણ..” સુધા બોલતી રહી ગઈ

થોડો વિચાર કરીને પરેશ બોલ્યો, “સુધા, ઘર કોને કહેવાય તે ખબર છે તને? ‌ હું આખો મહિનો બહાર રઝળપાટ કરતો હોઉં ને અઠવાડિયા માટે ઘરે આવું ત્યારે મને હાશકારો થાય, દિલને શાંતિ મળે, ઘરમાં પોતાનાપણું લાગે. તને, બા ને અને દીકરાને જોઈને આનંદ થાય પણ જ્યારે, હું ઘરે આવું ત્યારે ઝઘડા ને કંકાશ સિવાય બીજું કશું જોતો જ નથી. આ માટે જ મારે, બાને લઈને ગામડે રહેવા જવું છે ત્યાં હું ને બા શાંતિથી તો રહી શકીએ ને !”

સુધા એકીટશે પરેશાની સામું જોઈ રહ્યી, તેની આંખમાંથી દડદડ આંસુ વહ્યા જતા હતા તેણે બા નાં પગમાં પડી કહ્યું, “બા મને માફ કરી દો, હવેથી હું આવી ભૂલ નહીં કરૂં. તમે, અહીં જ રોકાય જાવ, તમારે ગામડે નથી જવાનું.”

પરેશની માફી માંગતા સુધાએ કહ્યું, “તમે, મને માફ કરી દો. આપણે બધા સાથે રહીશું, આનંદ કરીશું, ને બા ની છત્રછાયામાં રહીને આ મકાનને ઘર બનાવીશું, પરોણાની આગતાસ્વાગતા પણ કરીશું.”

પરેશે અને જયા બેને એકબીજાની સામું જોઈ ડોકું હલાવ્યું.

જયાબેને હસતાં હસતાં કહ્યું,. “ઘર એટલે ઇંટ, ચૂનો સિમેન્ટ નું માત્ર ચણતર નહી પરંતુ વડિલોને માન ને નાનેરાઓ ને વ્હાલ હોય તેને ઘર કહેવાય. તમારી આજ સાથે જોડાયેલ અમારી ગઇકાલ મારો દીકરો પરેશ ભૂલ્યો નથી તેથી હું એટલું જ કહીશ ‘મારા’ માંથી ‘અમારા’ કહેતા થાવ ને મકાનને ઘર બનાવો જેથી કરીને થાક્યો પાક્યો સાંજે માણસ ઘરે આવે ત્યારે તેને હાશકારો થાય. અમથું ય ‘ધરતીનો છેડો ઘર’ જ છે.”

પલ્લવી ઓઝા
  “નવપલ્લવ”

રીડ મોર

ગુલાબી મોતીનો હાર

વાસ્તવિક કે નકલી

મીનુ છ વર્ષની મીઠી, પ્રેમાળ અને સુંદર છોકરી હતી. તે એક આજ્ઞાંકિત બાળક હતી અને તે હંમેશા તેના વડીલોની સલાહોનું પાલન કરતી હતી. મિનુના માતા-પિતા તેના અદ્ભુત વર્તન માટે તેને પ્રેમ વિશેષ કરતા હતા.

એક દિવસ, મિનુની માતા તેને કરિયાણાની ખરીદી માટે લઈ ગઈ. જ્યારે તેઓ દુકાનો સામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક ચમકતા ગુલાબી રંગના પ્લાસ્ટિકના મોતીનો હાર મીનુની નજરમાં વસી ગયો!

તેણે તેની માતાને તે હાર ખરીદવા કહ્યું. તેની માતાએ તેને કહ્યું કે તેની કિંમત ખૂબ વધારે છે.

તેણીએ મીનુને કહ્યું કે જો તેને તે હર જોઈતો હોય તો તેણે કેટલાક કામ કરવા પડશે, જેથી કરીને દરેક પૂર્ણ કરેલા કામ માટે મીનુને થોડા પૈસા મળે અને તે પેલો મોતીનો ગુલાબી હાર ખરીદી શકે.

મિનુએ કામની યાદી તૈયાર કરી અને તેની મમ્મીને તમામ કામમાં મદદ કરી. તેની મમ્મી ખૂબ ખુશ થઈ, અને તેણે ગુલાબી મોતીનો ગળાનો હાર ખરીદવા માટે પૂરતા પૈસા મીનુને આપ્યા.

મીનુએ ખુશીથી હાર ખરીદ્યો અને તેને નહાવા સિવાય દરેક જગ્યાએ, દરેક વખતે પહેરવા લાગી.

તેની માતાએ કહ્યું હતું કે જો તે સ્નાન કરતી વખતે પહેરશે તેની ગરદન ગુલાબી થઈ જશે, અને મોતી તેની ચમક ગુમાવશે. એટલે, અન્ય તમામ સમયે, અને સૂતી વખતે પણ મીનુ તે હાર પહેરતી.

મિનુના પિતા તેને સૂવાના સમયે હમેશા વાર્તાઓ કહેતા હતા. એક રાત્રે, એક વાર્તા પૂરી કર્યા પછી, તેના પિતાએ પૂછ્યું કે તે તેને કેટલો પ્રેમ કરે છે. મિનુએ પિતાને વળગીને જવાબ આપ્યો, “તમને ખબર છે હું તમને કેટલો પ્રેમ કરું છું.”

પિતાએ કહ્યું, “તો પછી મને તારો ગુલાબી મોતીનો હાર આપ પ્લીઝ!”

મિનુએ જવાબ આપ્યો, “પ્લીઝ ડેડી, હું તમને ખૂબ પ્રેમ કરું છું પણ મહેરબાની કરીને આ મોતી ન માગો. હું તમને ગુલાબી બાર્બી આપીશ જે તમે મને એક મહિના પહેલા ખરીદી આપી હતી.”

પિતાએ જવાબ આપ્યો, “સારું, બેટા.”

થોડા દિવસો પછી, મિનુ અને તેના પપ્પા વચ્ચે એ જ વાતચીતનું પુનરાવર્તન થયું. ફરીથી, મિનુએ તેમને ગુલાબી મોતીનો હાર આપવાનો ઇનકાર કર્યો

અને તેના બદલે તેના પિતાને તેના પાલતુ પ્રાણીને લઈ જવા કહ્યું. પિતાએ તેને ચુંબન કર્યું અને સ્મિત સાથે વિદાય લીધી.

આવું સતત ઘણી વાર બન્યું. દરેક વખતે મીનું તેના પિતાને હાર આપવાનો ઇનકાર કરી તેની બીજી કોઈ વસ્તુ લઈ લેવા કહેતી.

એક દિવસ, મિનુ સૂઈ ગઈ જ્યારે તેના પિતા તેને વાર્તા કહી રહ્યા હતા. તેણે તેના હાથમાં હાર પકડ્યો હતો.

તેને સૂઈ ગયેલી જાણી તેના પિતાએ તેના હાથમાંથી મોતીનો હાર લીધો. બીજી જ ક્ષણે, તે જાગી ગઈ અને પૂછ્યું, “પપ્પા, તમે આ શું કરો છો?”

પિતાએ ઝડપથી તેના તકીયા પાસે મૂકેલું જ્વેલરી બોક્સ ખોલ્યું અને તેને એક કિંમતી સાચા ગુલાબી મોતીનો હાર આપ્યો.

તેણે કહ્યું, “બેટા, તારા માટે હું આ અસલી હાર લાવ્યો છું, અને હું તને આટલા બધા સમયથી આ અસલી હાર આપી નકલી હાર લઈ જવા પ્રયત્ન કરતો હતો.”

તેણીએ જવાબ આપ્યો, ‘આભાર પપ્પા!’

મિનુએ તરત જ તેનો નકલી નેકલેસ અસલી માટે છોડી દીધો.

ભગવાન ઇચ્છે છે કે આપણે આપણા જીવનમાં એવી બધી નકલી અને સસ્તી વસ્તુઓ છોડી દઈએ જેને આપણે ખૂબ કિંમતી ગણીએ છીએ –

આદતો, નફરત, સંબંધો, નકારાત્મક પ્રવૃત્તિઓ, નકારાત્મક વિચારો વગેરે… જો આપણે નકલી છોડી દઈએ તો જ તેઓ આપણને સાચી અને કીમતી વસ્તુઓ જીવનમાં પ્રદાન કરશે!

સુપ્રભાત…
આપનો રવિવાર શુભ હો…

ધર્મેન્દ્ર જોષી

હરણી ની દ્વિધા

આજની વાર્તા

હરણીની દ્વિધા

એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું.

દૂર દેખાઈ રહેલી નદી પાર એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો.

તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.

તે જ ક્ષણે અચાનક… તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો.

વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો. હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો.

તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.

આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે? તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.

તમને શું લાગે છે ? તેનું શું થશે ? શું હરણી બચી જશે ? શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે ? શું તેનું બચ્ચુ બચી શકશે ? કે પછી…દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે ?

શું હરણી ડાબી તરફ ગઈ હશે ? ના, ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો.
શું હરણી જમણી તરફ ગઈ હશે ? ના, ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.
શું હરણી આગળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં ધસમસ્તી નદી તેને તાણી જઈ શકે એમ હતી.
શું હરણી પાછળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી દઈ શકે તેમ હતો.

જવાબ : આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે.
તે કંઈ જ કરતી નથી. તે માત્ર પોતાના બચ્ચાને, એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.

એ ક્ષણ પછીની ફક્ત બીજી જ઼ ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.


એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે.

આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે.


તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે ખરાબ રીતે ઘાયલ થઈ જાય છે.

એ જ ક્ષણે મૂશળધાર વરસાદ વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે.
એ જ ક્ષણે હરણી એક સુંદર, તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે.

આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે.

એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે.

પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે. ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે.

જીવન દરેક વખતે આપણને વિચાર કરીને નિર્ણય લેવાનો સમય નહીં આપે.

ઘણીવાર પલકવારમાં નિર્ણયો લેવા પડતાં હોય છે. ત્યારે બહુ લાંબા વિચારો ના કરો. ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા રાખો, તમારો નિર્ણય સાચો જ પડશે.

સુપ્રભાત…
આપનો રવિવાર શુભ હો…

ધર્મેન્દ્ર જોષી

Canada માં કમાણી કરવી હવે સરળ બનશે, PGWP વર્ક પરમિટના નિયમ બદલાયા, જાણો કોને મળશે લાભ?

થેપલા ની યાદ

 અચાનક પાછી યાદ ઉભરાઈ ગઈ. ગરમા ગરમ થેપલાં બનાવતી હતી. મારા દીકરાનો દીકરો સીધો શાળાએથી આવવાનો હતો. એક સમય હતો બાળકોને અને પતિદેવને ગરમાગરમ ખવડાવી આનંદ માણતી હતી. તેમના મુખ પરનો સંતોષ મારો આખા દિવસનો થાક ઉતારવા સફળ થતો.

મારો નાનકો જે આજે હવે જીંદગીમાં ખુબ તરક્કી કરી આગળ નિકળી ગયો છે. એ તો જ્યારે સ્કૂલેથી આવતો ત્યારે ખાસ થેપલા બનાવું. તમે નહી માનો એક પણ થેપલું બચે નહી. હજુ તો તૈયાર થઈને થાળીમાં મૂકું ત્યાં ઉપડી જાય. પાંચથી છ ક્યાંય પેટના ખૂણામાં સંતાઈ જાય. જ્યારે દુધનો ગ્લાસ મોઢે માંડે ત્યારે સમજાય.
‘મમ્મી હવે રાતના જમવાનું નહી. ‘

મને ખબર જ હોય. હવે એ વાત ક્યાં રહી જીંદગીમાં ?. જો કે હું પણ ૭૦ ઉપર પહોંચી ગઈ. છતાં હજુ બાળકો માટે કામ કરવાની આ કાયા ના નથી પાડતી. બાળકો એમની જીંદગીમાં પરિવાર સાથે સ્થાયી થયા. પતિદેવને તબિયતે યારી ન આપી એટલે વિદાય થયા. હજુ કેટલા બાકી ? આ પ્રશ્ન મ્હોં ફાડીને ઉભો છે. જવાબ ક્યાં મળે છે.
આમ જ્યારે સોનલ વિચારી રહી હતી ત્યાં બારણાનો બેલ વાગ્યો.

કોઈ અજાણ્યો છોકરો બારણે મોટી મસ એનસાઈક્લોપિડિયા વેચવા આવીને ઉભો હતો. તેની ખૂબી વિષે વાત કરી રહ્યો હતો. મારે હવે એનું શું કામ ? તેની વાણીનું માધુર્ય અને વેચવાનો પાકો નિરધાર ,મને આકર્ષી ગયો. મારા બધા સવાલના જવાબ  કુશળતાપૂર્વક આપતો. મારી ઇંતજારી વધી. મારે જરૂર ન હતી છતાં લેવા લલચાઈ. અચાનક મને યાદ આવ્યું.

‘તું સ્કૂલેથી છુટીને આ કામ કરે છે’.
‘જી’.
‘તારા પપ્પા’ ?
તેઓ નથી. મારી મમ્મી, મને અને મારી નાની બહેનને ભણાવે છે. તેને પૈસાની અગવડ ન પડે એટલે થોડા પૈસા કમાવામાં તેને મદદ કરું છું.

મને અચાનક યાદ આવ્યું.  ‘બેટા તેં કાંઈ ખધું’.
‘ના, મારી મમ્મી ઘરે આવશે પછી બનાવશે ત્યારે અમે ત્રણે સાથે ખાઈશું.
ઘરમાં હજુ પણ થેપલાંની સુગંધ રેલાઈ રહી હતી. મેં તેને આગ્રહ કરીને બે થેપલા અને દુધ આપ્યા. ખુબ ખુશ થઈ તેણે ખાધાં.
‘લે આ બાકીના તારી બહેન અને મમ્મી માટે લઈ જા’.

મારી તરફ આભારથી તાકી રહ્યો. તેના માનવામાં આવતું ન હતું. તેના મુખ પર સ્પષ્ટ હતું કે તેને ગરમા ગરમ થેપલાં ખુબ ભાવ્યા હતાં.

તેની પાસેથી બે વોલ્યુમ ખરીદ્યા. મને હતું લાયબ્રેરીમાં આપી દઈશ. મારા બાળકો પાસે કમપ્યુટર અને બીજી બધી સગવડ છે.
સોનલ તેના લાડલા પૌત્રને થેપલા, છુંદો અને દહી ખાતાં જોઈ ખુશ થઈ રહી હતી. તે તો પછી રૂમમાં ભરાયો. ઘરકામ પુષ્કળ હતું.

આજે  સોનલ પાછી  યુવાનીમાં પહોંચી ગઈ હતી. વિચારી રહી, વિત્યા વર્ષોની મધુરી યાદ આવે પણ કોઈ ફરિયાદ નથી. કોણ જાણે ટેલીપથી પહોંચી ગઈ  હોય તેમ સોનલ રાતે ટી.વી. જોતી હતી. ત્યાં બારણું ઠોકાવાનો અવાજ સંભળાયો. ઉભી થઈને દરવાજો ખોલ્યો તો સામે ,’મારા પૌત્રને લેવા દીકરો વહુ આવ્યા હતા’.

‘કેમ બે દિવસ વહેલા આવ્યા.
વહુ બોલી, ‘મમ્મી તેના વગર ઘરમાં સુનું લાગતું હતું ‘.
‘મમ્મી, ઘરમાં જાણિતી સુગંધ આવે છે’.
‘બોલ તું કહી આપે તો ખબર પડે’.
‘એક મિનિટ મમ્મી, તેં આજે થેપલા બનાવ્યા હતાં’?
સોનલના કાન માની ન શક્યા કે એના દીકરાને હજુ એ બાળપણની સુગંધ યાદ છે.

તેમના ગયા પછી હરખભેર પલંગ પર સૂવા ગઈ, ક્યારે નીંદર આવી ગઈ તેનું તેને ભાન પણ ન રહ્યું.

પલ્લવી ઓઝા
  “નવપલ્લવ”

નસીબ નો ખેલ

“સાહેબ,તમે જે કામ આપશો એ હું કરીશ, બીજું કંઈ નહી તો હું તમારી દુકાનમાં સાફસફાઈ કરી આપીશ. મારી માં બિમાર છે સાહેબ”
એ છોકરો છેલ્લી દસ મિનિટથી દુકાનદારને વિનવી રહ્યો હતો પણ મોહનલાલ ઘરાકીમાં વ્યસ્ત હોવાથી આ છોકરાને જવાબ આપી રહ્યા નહોતા છેવટે નવરા પડતાં તેમણે જરા કડક અવાજે છોકરાને પુછયું
“શું નામ છે તારું?”
“જીગર”
“ભણવા જાય છે?”
“પાંચ ચોપડી ભણ્યો સાહેબ,પણ બે મહીનાથી મારી માં બીમાર પડી પછી ભણવાનું મુકી દીધું અને કામ શોધું છું”
“શું થયું છે તારી માં ને?”
તેમણે પુછ્યું.
“મને તો કોઇ કંઇ કહેતું નથી કે એને શું થયું છે પણ આખો દિવસ ઉધરસ આવે છે અને મારા મામા એક દિવસ કો’કને ફોનમાં કહેતા હતા કે મારી માં ને ટીબી થયો છે,એની સારવાર તો સરકારી દવાખાનામાં ચાલે છે સાહેબ પણ ઘર ચલાવવા પૈસા તો જોવે ને”
“તારા પિતા કયાં છે?”
મોહનલાલ ખાતરી કર્યા વિના આ અજાણ્યા છોકરાને કામે રાખવા તૈયાર નહોતા.
“મારી માં કહે છે કે હું છ મહીનાનો હતો ત્યારે એ બિમારીને લીધે ગુજરી ગયા.”
કહેતાં તેની આંખો ભીની થઇ ગઇ.
મોહનલાલ થોડા નરમ પડયા આ છોકરાની વાત કરવાની છટામાં આજીજી સાથે ખુમારી પણ હતી અને આંખોમાં આત્મવિશ્વાસ.
“જો મારે આ કાચના વાસણોનો વ્યપાર છે તારે કાળજીપૂર્વક કામ કરવું પડે તારાથી ક્રોકરી તુટી ફુટી જાય તો મારે નુકસાન થાય.”
“હું ધ્યાન રાખીને કામ કરીશ સાહેબ છતાં મારાથી કંઇ ભૂલ થાય તો તમે મારાં પગાર માંથી એટલા પૈસા કાપી લેજો.”
મોહનલાલ થોડા કંજુસ અને કાચના વાસણો તથા મોંઘા આર્ટિકલ્સનો વ્યવસાય હોવાથી તેમને કચકચ કરવાની ટેવ હોવાથી કોઇ માણસ જાજો સમય એમની દુકાનમાં કામ ન કરી શકે એવી એમની છાપ હતી તેમને એકેય સંતાન નહોતું એટલે શ્રીમંત હોવા છતાં દુકાન એકલા હાથે જ સંભાળવી પડતી.
        એમાં આ છોકરો જરુરિયાત વાળો અને પ્રમાણમાં નાનો હોવાથી તેની પાસેથી મરજી મુજબ કામ લઈ શકાય અને નુકસાન થાય તો પોતે ભોગવવા તૈયાર હતો એટલે તેમણે કહ્યું,
“જો હું તને અત્યારે મહીને બે હજાર રુપિયા પગાર આપીશ પછી તારું કામ મને ફાવશે તો વધારી દઇશ પણ ધ્યાન રાખીને કામ કરજે.”
“હા સાહેબ મને મંજુર છે.”
જીગરની આવડત અને તેની કામ પ્રત્યેની લગન જોઇને મોહનલાલ તેનાથી ખુશ હતા.
અમુક એવા કપ,પ્યાલા, કાચની પ્લેટો હતી કે જે ઘણા સમયથી સાફ થઇ ન હતી તે બધું સરસ રીતે સાફ કરીને તેને ગ્રાહકો જોઇ શકે એ રીતે તેણે ગોઠવ્યા અને ઝડપથી છતાં એક પણ વાસણ ફુટે નહી એ રીતે તે બધું ગોઠવતો ગ્રાહકો સાથે પણ તે ખુબ નરમાશથી વાત કરતો અને બધું બતાવતો એનાથી મોહનલાલનો ઘણો ભાર ઓછો થઇ ગયો હતો અને આવકમાં પણ વધારો થયો હતો જે જુનો માલ પડ્યો હતો એ પણ ધીરે ધીરે વેચાતો જતો હતો.મોહનલાલે છ મહીનામાં જ એને પગારમાં પાંચસો રૂપિયા વધારી દીધા.
                          ત્રણ વર્ષથી વધુ સમયથી જીગર કામ કરતો હતો પણ એને જયારે માંની સાથે દવાખાને જવું હોય તો કહીને જતો અને એક-બે કલાકમાં તો પાછો આવી જ જતો પણ બે દિવસ સુધી તે ન આવ્યો એટલે શું થયું છે એ જાણવા શેઠે જાતે જઇને તપાસ કરી તો ખબર પડી કે હવે તેની માં આ દુનિયામાં નથી રહી. શેઠને જોઇને જીગર તરત તેની પાસે આવ્યો અને કહ્યું કે,
“હું બાર દિવસ નહી આવી શકું સાહેબ મારી માં ની બધી વિધિ મારા હાથે જ થાય એવી મારી ઇરછા છે મારા પિતાને તો મેં જોયા નથી મારી માં એ જ મને મુશ્કેલીઓ વેઠીને મોટો કર્યો એટલે મારી એના પ્રત્યેની આ અંતિમ જવાબદારી છે”
મોહનલાલને માન થઇ આવ્યું આ પંદર વર્ષના છોકરા પર તેમણે પાંચ હજાર રુપિયા આપતાં કહ્યું,
“લે,બેટા આ રાખી લે તારે કામ આવશે અને ચિંતા ન કરીશ આ પૈસા તારે પાછા નથી આપવાના તે જે કાળજીથી મારી દુકાન સંભાળી છે એનું ઇનામ છે આ.એમ કહી ત્યાં હાજર રહેલા એક-બે વડીલોને જરુર હોય તો જણાવવાનું કહી વિદાય થયા.હવે તે એકલો હોવાથી શેઠે તેને પોતાના ઘરે જ રહેવા આવી જવા કહ્યું અને પોતાના બંગલામાં જ એક નાની ઓરડી ચણી આપી.વધારાનો બધો સામાન તેણે વેચી દીધો અને જરુરી સામાન લઈને તે શેઠે બનાવી આપેલી ઓરડીમાં રહેવા આવી ગયો.હવે તો જીગર શેઠાણીને ઘરનું નાનુ મોટું કામ પણ કરી આપતો એટલે રમાબહેન પણ એને દિકરાની જેમ જ સાચવતા.હવે તે સતર વર્ષનો થયો હતો અને યુવાનીમાં પગ માંડી રહ્યો હતો એક દિકરાની જેમ તેણે મોહનલાલની બધી જવાબદારી સંભાળી લીધી હતી.એ વાત મોહનલાલ અને તેના પત્ની રમાબહેન સમજતાં હતા તેમણે નક્કી કર્યુ હતું કે આ છોકરાને જ પોતાનો વારસો આપી જવો જેથી એમની પાછળની બધી ધાર્મિક વિધિ સારી રીતે થાય. અચાનક એક દિવસ હ્દયરોગના હુમલાથી રમાબહેન સ્વર્ગે સિધાવતા મોહનલાલ એકલા પડી ગયા હતા પણ જીગર એમને કયારેય એકલુ ન લાગે એની કાળજી રાખતો સમયસર દવા આપતો અને એમની પાસે જ સુઇ જતો જેથી રાત્રે કંઇ જરૂર પડે તો એમને તકલીફ ન પડે.
નસીબ કયારે શું રમત રમે એ કોઇ નથી જાણતું પણ સત્કર્મોનુ ફળ હમેંશા સારું જ મળે છે એ કુદરતનો નિયમ છે. જીગરે વાવેલો ગોટલો એના માટે આજે આંબો બની ગયો હતો અને એમાં ફળ પણ આવે જ એ સ્વાભાવિક હતું એમાં જે ખાતરપાણી જોઇએ એ મોહનલાલના હતાં તો મહેનત જીગરની.
             છેલ્લા થોડા સમયથી મોહનલાલની તબિયત કથળી રહી હતી તેઓને લાગ્યું કે રમાની જેમ અચાનક મને કંઇ થઇ જાય તો મારી આ સંપત્તિ પર અન્ય લોકો હક લેવા આવે એના કરતાં હું જ મારું વીલ બનાવી લઉં જે મારા મૃત્યુ પછી વકીલ વાંચી સંભળાવે તેમણે તરત પોતાના નિર્ણય પર અમલ કરી એકદિવસ વકીલને ઘરે બોલાવી આ કામ પતાવી દીધું અને એ જ સાંજે જીગરને પાસે બેસાડીને કહ્યું કે “જો બેટા તે નાનપણથી આજ સુધી તે એક દિકરાની જેમ મારી જવાબદારીઓ સંભાળી લીધી છે તારાં આ વર્તનથી જ મને આ ઉંમરે નિવૃત્તિ મળી છે મેં મારા વકીલને વસિયતનામું લખીને જરુરી સહી કરી આપી છે કાલે સવારે મને કંઇ થઇ જાય તો આ એમનો નંબર અને એડ્રેસ છે તું એમને બોલાવી લેજે હાજર લોકો સમક્ષ એ મારું વસિયતનામું વાંચી સંભળાવશે તારું અને આપણી દુકાનનું ધ્યાન રાખજે મારા આશીર્વાદ સદા તારી સાથે જ રહેશે.”
અને એક કાગળ જીગરના હાથમાં આપ્યો જેમાં એ વકીલનુ નામ અને અન્ય વિગતો તેમણે લખી રાખી હતી.
“તમને કંઇ જ થવાનું નથી હું છું ને તમારે જે જોઇએ એ માટે મને આદેશ આપો અને દુકાનની ચિંતા મારા પર છોડીને આરામ કરો”


જીગરે એમને સાંત્વના આપતાં કહ્યું પણ એ જાણતો હતો કે ગમે એટલી સેવા કે કાળજી રાખવા છતાં તે રમાબહેનની ખોટ પુરી કરી શકે એમ નહોતો.આ વાતને એક મહિનો પણ થયો નહી હોય ત્યાં મોહનલાલ અંનતની વાટે ચાલી નીકળ્યા. તેમના દુરના સંબંધીઓ અંતિમવિધિ માટે આવ્યા રમાબહેનના પિયરથી પણ નજીકનાં સંબંધીઓ આવ્યા પણ મોહનલાલની ઇરછા મુજબ તમામ વિધિ જીગરના હાથે જ કરાવવામાં આવી અને તેમના વીલ મુજબ અમુક રોકડ રકમ તેના ભાઇના દિકરાઓને આપવા સિવાય બંગલો અને દુકાન જીગરના નામે કરી હતી.જીગરના પુરર્ષાથથી તેનું નસીબ ઘડાયું હતું હવે તે એ દુકાનનો માલિક હતો જયાં એકદિવસ હાથ જોડીને કામ માંગવા આવ્યો હતો.આજે પણ શેઠશેઠાણીના અને પોતાની માં ના ફોટાને પગે લાગીને જ દિવસની શરુઆત કરે છે.
             આ છે નસીબનો ખેલ જે રાજાને રંક તો રંકને રાજા બનાવી શકે છે.

————– સમાપ્ત

Exit mobile version