એક કાળું ટપકું : મોટો સફેદ ભાગ, તમે શું જોશો

એક દિવસ, એક પ્રોફેસરે તેના ક્લાસમાં સરપ્રાઇઝ ટેસ્ટ જાહેર કરી. પેપરનો છાપેલો ભાગ ઊંધો રાખીને બધા વિદ્યાર્થીઓને વહેંચી, તેણે પાનું ફેરવી શરૂ કરવા કહ્યું.

બધાંનાં આશ્ચર્ય વચ્ચે, પેપરમાં કોઈ પ્રશ્નો નહોતા… પાનાની વચ્ચોવચ્ચ ફક્ત એક કાળું ટપકું કરેલું હતું.

વિદ્યાર્થીઓના ચહેરા ઉપરનાં ભાવ વાંચી, પ્રોફેસરે કહ્યું, “તમને તેમાં જે દેખાય છે, તે લખો.” વિદ્યાર્થીઓએ, મુંઝવણ સાથે , ચકિત થઈને, એ કોયડો ઉકેલવાનું શરૂ કર્યું.

ક્લાસના અંતે, પ્રોફેસરે બધાંનાં જવાબ લખેલાં પેપર પાછાં લીધા અને ક્લાસ સમક્ષ એક પછી એક બોલીને વાંચવાનું શરૂ કર્યું. બધાએ, કોઈ અપવાદ વગર, કાળા ટપકાં વિશે લખ્યું હતું,

પાનાના મધ્યમાં તેના સ્થાન બાબતનું વિસ્તૃત વર્ણન કર્યું હતું.

બધા પેપર વાંચ્યા પછી, ક્લાસ શાંત બેઠો હતો ત્યારે, પ્રોફેસરે સમજાવ્યું , “તમારા જવાબો માટે હું કોઇ ગ્રેડ નથી આપવાનો, મારે તમને થોડો વિચાર કરવા કૈંક આપવું હતું. કોઈએ પેપરના સફેદ ભાગ વિશે લખ્યું નથી.

બધાએ કાળા ટપકાં ઉપર જ ધ્યાન આપ્યું – અને આપણે આપણાં જીવનમાં પણ આવું જ કરીએ છીએ. આપણી પાસે ખૂબ મોટો સફેદ ભાગ જોવા અને માણવા જેવો હોય છે, પણ આપણે ફક્ત પેલાં કાળા ટપકાઓ જ જોઈએ છીએ.”

આપણું જીવન ઇશ્વરના પ્રેમ અને કાળજી સાથે મળેલ ભેટ છે અને તેને માણવાના અઢળક કારણો હોય છે, પરંતુ આપણે તેમાં પણ ફક્ત પેલા કાળા ટપકાં ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ –

નાદુરસ્ત સ્વસ્થ્ય, પૈસાની અછત, પરિવારની કોઈ વ્યક્તિ સાથેનો અણબનાવ, કોઈ મિત્ર સાથેની નિરાશા, વિગેરે…

આપણાં જીવનમાં જેટલું છે તેમાં તે કાળા ટપકાં તો નજીવો ભાગ છે , પણ એ જ આપણાં મનને પ્રદૂષિત કરે છે.

આપણાં જીવનના એવા કાળા ટપકાં ઉપરથી આંખો હટાવતા શીખો જીવન દ્વારા અપાતી દરેક પળને માણો.

ખુશ રહો અને પ્રેમથી ભરેલા જીવનને જીવો. જે કરવાની જરૂર છે એ જ કરો અને જીવન જેમ ઘટે છે એમ માણો.